મોઢા તથા માથાના ભાગે ઇજાના નિશાન: મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો
રાજકોટમાં લોહણાપરા વિસ્તારમાં પાર્ક કરેલી રિક્ષામાંથી ઇજાગ્રસ્ત યુવાનની લાશ મળી આવતા એ – ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકને મોઢા અને માથાના ભાગે ઇજાના નિશાન હોવાથી મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકને ત્રણ દિવસ પહેલા જયુબેલી પાસે થયેલી માથાકૂટ કારણભૂત હોવાની શંકાએ પોલીસે તે દિશામાં પણ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના દૂધસાગર રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાટરમાં રહેતો અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા વસીમભાઈ હબીબભાઈ કાલવા નામના ૩૬ વર્ષના યુવાનનો લોહાણાપરા વિસ્તારમાં ડીલક્ષ આઈસ્ક્રીમ દુકાન પાસેથી તેની જ રિક્ષામાંથી બેભાન અવસ્થામાં મળી આવતા સગાએ વસીમભાઈના નાના ભાઈ મુનાફને જાણ કરી હતી.
ત્રણ’દિ પહેલાં થયેલી માથાકૂટ કારણભૂત હોવાની શંકા સાથે પોલીસ તપાસ
આ અંગે જાણ થતાં મુનાફ તુરંત વસીમભાઈને સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક ચકાસણી કરતા વસીમભાઈને મોઢા તથા માથાના ભાગે ઇજાના નિશાન હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તબીબ અને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે.
ઘટનાની જાણ થતાં એ – ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સી.જી. જોષી સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વસીમ ગઇ કાલે સાંજે ૫ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ રાત્રીના તે પોતાની રિક્ષામાં જ મૃત મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે.
ઘટના સ્થળની આસપાસ તપાસ કરતા નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે વસીમ પોતે રીક્ષા લઈને આવ્યો અને જાતે જ પાછળ સુઈ ગયો હતો. જેથી ઘટના કોઈ અન્ય સ્થળે બની હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ પોલીસને મળતી વિગત મુજબ વસિમને ત્રણ દિવસ પહેલા જયુબેલી પાસે કોઈ સાથે માથાકૂટ થઈ હતી. આ જ માથાકૂટ કારણભૂત હોય તેવી શંકા સાથે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથધરી છે.