રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત પ્રધ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન અને સુરતના ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુલોઝિકલ ગાર્ડન વચ્ચે વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન કરવા માટે સેન્ટ્રલ ઝુ ઓથોરીટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. આગામી દિવસોમાં જળ બિલાડીની જોડી, દિપડાની જોડી, સફેદ મોરની જોડી અને સફેદ સ્પુન બીલની જોડી રાજકોટ ઝુની શોભામાં વધારો કરશે.

સફેદ મોર, જળ બિલાડી, દિપડાની જોડી પ્રદ્યુમન પાર્કની શોભા વધારશે

વન્ય પ્રાણી આદાન-પ્રદાનને ઝુ ઓથોરીટીની મંજૂરી: પ્રદ્યુમન પાર્ક ઝુ દ્વારા સુરત ઝુ ને સફેદ વાઘની જોડી, શિયાળની જોડી, હોગ ડિયરની જોડી અને સિલ્વર ફીજન્ટની જોડી અપાશે

સુરત ઝુ થી જળ બિલાડી અને દિપડાની જોડીનું પ્રદ્યુમન પાર્કમાં આગમન: 2 અઠવાડિયાનો ક્વોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થયા બાદ સહેલાણીઓ માટે પ્રદર્શિત કરાશે

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, દર વર્ષે વન્ય પ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝુ પાસેથી નવા-નવા પ્રાણી, પક્ષીઓ મેળવી રાજકોટની પ્રધ્યુમન પાર્ક વિકાસ કરવામાં આવે છે.

તાજેતરમાં રાજકોટના પ્રાણી ઉદ્યોન અને સુરતના ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુલોઝિકલ ગાર્ડન વચ્ચે વન્યપ્રાણી આદાન-પ્રદાન માટે ઝુ ઓથોરીટી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે .જેમાં પ્રથમ તબક્કે રાજકોટ ઝુ દ્વારા સુરત ઝુને સફેદ વાઘની એક જોડી, શિયાળની એક જોડી, સિલ્વર ફીઝન્ટની એક જોડી આપવામાં આવશે જેના બદલામાં સુરત ઝુ ખાતેથી જળ બિલાડીની એક જોડી અને દિપડાની એક જોડી રાજકોટ ઝુમાં લાવવામાં આવ્યા છે. બીજા તબક્કામાં રાજકોટ ઝુ દ્વારા હોટ ડિયરની એક જોડી સુરતને આપવામાં આવશે અને ત્યાંથી સફેદ મોરની એક જોડી અને સફેદ સ્પુન બીલની એક જોડી લાવવામાં આવશે.

ટૂંક સમયમાં વિનીમય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. હાલ જે પ્રાણીઓ સુરત ઝુ ખાતેથી લવાયા છે તેને બે અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈનમાં રાખી અવલોકન કરવામાં આવશે. ક્વોરન્ટાઈન પીરીયડ પૂર્ણ થતાં મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતના નર્મદા નદીમાં જોવા મળતી જળ બિલાડી ખુબજ રમતિયાળ હોય છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલ ઝુમાં 55 પ્રજાતિના 450  પ્રાણી, પક્ષીઓ વસવાટ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.