પુત્ર સાથે થયેલા ઝગડામાં પાડોશી દંપતિ સહિત ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો તો
કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા પટેલ પાર્કમાં એક સપ્તાહ પૂર્વે પ્રૌઢા ઉપર પાડોશી દંપતી સહિત ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. જે પ્રૌઢાનું સારવાર દરમિયાન હોસ્પિટલના આજ રોજ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલ દોડી જઈ મૃતદેહને ફોરેન્સીક પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરાશે તેમ જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલા પટેલ પાર્ક મેઈન રોડ ઉપર એક સપ્તાહ પૂર્વે બે પરિવારો વચ્ચે ઝગડો થયો હતો . જેમાં એક મહિલાએ બીજી મહિલાને કહયું કે, તારા દિકરાના તો ત્રણ વાર લગ્ન થયા છે, તેથી એ સારા માણસો ન કહેવાય જે અંગે બોલાચાલી થયા બાદ એક દંપતિ સહિત ત્રણ લોકોએ પ્રફુલાબેન હીંગુ નામની મહિલાને ઢીકાપાટુ અને પાઈપ વડે મારમારતા તેણીને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસડાયા હતા.
પ્રફુલાબેન અશ્વિનભાઈ હીંગુ (ઉવ.55) એ આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ કે, ગત તા.9ના રોજ સાંજે પાંચ વાગ્યે હુ મારા ઘરે હતી ત્યારે અમારી શેરી રહેતા સોનલબેન મને કહેવા લાગ્યા કે તારા દિકરાએ ત્રણ લગ્ન કર્યા છે, સારા માણસો આવુ ન કરે તેમ કહેતા, મે કહયુ કે, મારા દિકારાએ જે કર્યુ હોય તે તમારે શુ લેવા દેવા, તેમ કહેતા સોનલબેન ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા ત્યારે તેના પતિ પ્રતાપભાઈ તેના મિત્ર અશોકભાઈ કડીયા સાથે આવી ચડતા ત્રણેયે મળી ઢીકાપાટનો માર માર્યો હતો અને મારો હાથ પકડી મને ઢસડી હતી તેમજ પાઈપ વડે માર માર્યો હતો. આ અંગે પોલીસે જે તે સમયે દંપતી સહિત ત્રણેય શખ્સો સામે મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પ્રફુલાબેનનો સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો આ અંગે આજીડેમ પોલીસે જાણ કરાતા પીએસઆઈ આર.વી.કડછા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સીક પીએમમાં ખસેડાયો હતો તથા પીએમરીપોર્ટ આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરાશે તેમ જાણવા મળ્યુ છે..