માટીકામ, છાપકામ, ગડી કામ, કાતર કામ, ચીટક કામ, રંગપૂરણી, નાટક, બાળગીત, વેશભૂષા અને અભિનય ગીતમાં વિદ્યાર્થીઓઅ લીધો ઉત્સાહપૂર્વક ભાગ
જીસીઆઇઆરટી ગાંધીનગર આયોજીત અને ડાયેટ રાજકોટ પ્રેરીત કાર્યક્રમમાં 1600 થી વધુ શાળાના પ0 હજારથી વધુ ધો. 1 થી 8 ના છાત્રોએ ભાગ લીધો
દર વર્ષની જેમ આ વર્ષે પણ જીસીઇઆઇરટી ગાંધીનગર આયોજીત અને ડાયેટ રાજકોટ પ્રેરીત બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 1600 થી વધુ શાળાના પ0 હજારથીવધુ છાત્રોએ ભાગ લીધો હતો. રાજકોટ જીલ્લાની 977 મોરબી જીલ્લાની 592 અને રાજકોટ શિક્ષણ સમિતિની 8ર શાખાના ધો. 1 થી 8 ના છાત્રોએ વિવિધ પ્રવૃતિઓ પ્રોજેકટમાં ભાગ લઇને આનંદોત્સવ સાથે બાળમેળાની ઉજવણી કરી હતી.
વરસાદને કારણે શાળા બંધ હોવાથી આજે પણ આ બાળમેળા ચાલુ રખાયા હતા. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાની સંખ્યા મુજબ બે હજાર સુધીની ખર્ચ ગ્રાન્ટ ફાળવાય હતી. બાળમેળામાં માટીકામ, છાપકામ, ગડીકામ, કાતર કામ, ચીટક કામ, રંગપૂરણી, નાટક બાળગીતો, વેેશભૂષા અને અભિયન ગીતો જેવી વિવિધ પ્રવૃતિમાં છાત્રો ઉત્સાહ ભેર જોડાઇને શાળાનું વાતાવરણ આનંદમય શિક્ષણનું બનાવ્યું હતું.
ધો.1 થી પ માં બાળ મેળો અને ધો. 6 થી 8 માં લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરાયું હતું. બન્ને ટાઇપના મેળા અલગ અલગ દિવસે યોજાયા હતા. આ બાળ મેળાનો હેતુ વિવિધ આનંદમય પ્રવૃતિ કરીને બાળકો મનોરંજન સાથે નવું નવું શીખે તેવો હતો.સમગ્ર આયોજનમાં જીસીઇઆરટીના માર્ગદર્શન તળે રાજકોટ ડાયેટના પ્રાચાર્ય મિનાક્ષીબેન રાવલ, લેકચરર ડો. ઉમા તન્ના અને દિપાલી વડગામા સાથે શહેર જીલ્લાની તમામ શાળાના આચાર્ય, સ્ટાફ ગણ અને સી.આર.સી બી.આર.સી. એ જહેમત ઉઠાવી હતી.
ધો. 6 થી 8 ના મોટા વિઘાર્થીઓ માટે લાઇફ સ્કીલ ડેવલમેન્ટની સ્કીલ વાઇઝ પ્રવૃતિમાં ખાસ ટોકશોનું આયોજન પણ કરાયું હતું. જેમાં મારા સપનાનું ભારત, પર્યાવરણ અને દેશ બચાવો, મારી સામાજીક ફરજ, મારી શાળા મારા વિચારો જેવા વિષયો ઉપવ ટોક શો યોજાયો હતો. શાળાના બાળકોમાં પ્રવૃતિમય શિક્ષણ આનંદ આપે છે અને તેને ઝડપથી શીખવાની ગ્રહણ કરવાની તક આવા મેળા આપતા હોવાથી છાત્રોની અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.