Rajkot : રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા સમાહર્તા પ્રભવ જોષીના હસ્તે રાજકોટ જિલ્લાની ઐતિહાસિક વિરાસત દરબારગઢના પુન: નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આપણા ઐતિહાસિક સ્થાપત્ય અને ઇમારતોના પુન:નિર્માણના કાર્યને વેગ આપી સંસ્કૃતિને જાળવી રાખવાનું કાર્ય કરી રહ્યા છે. સાથે જ પ્રમુખએ સમગ્ર રાજકોટ જિલ્લાના લોકોને આઝાદીના પર્વની ઉજવણીમાં જોડાવા તેમજ ઘરે-ઘરે તિરંગો ફરકાવવા આહવાન કર્યુ હતું.
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું કે, 300 વર્ષ જૂની રજવાડા સમયની ઈમારતના પુન: નિર્માણ માટે રાજ્યસરકારના પ્રવાસન વિભાગે 2 કરોડ 77 લાખ મંજૂર કર્યા છે. જે રીતે આ દરબાર ગઢના પુન: નિર્માણ માટે સૌએ મહેનત કરી છે તેવી રીતે આ ઇમારત મજબૂત બનાવવામાં પણ સૌએ સહકાર આપી જાગૃત રહેવું જરૂરી છે.
આ પ્રસંગે ક્લેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, 2016થી સણોસરા ગામના જાગૃત લોકોએ આ ઐતિહાસિક ઈમારતને સંરક્ષિત કરવા માટે રજૂઆત કરી હતી, આજે આ વારસાના પુનરુત્થાનનું કામ શરૂ થાય છે ત્યારે આગળ પણ ગ્રામલોકો તેને સાચવવા માટે જાગૃત રહે તેમજ તેના સંરક્ષણ સમયે સહકાર આપે તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ કાઠીયાવાડ વિસ્તારની વિશિષ્ટતા અને પૌરાણિકતાને યાદ કરતા કહ્યું હતું કે કાઠીયાવાડ વિસ્તાર હિમાલય કરતા પણ પુરાણો વિસ્તાર છે અહીં દરેક વિસ્તારમાં ઐતિહાસિક વિરાસત જોવા મળે છે ત્યારે તેની સાચવવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે આ ઈમારતના પુન:સંરક્ષણમાં સૌને ઉત્સાહથી જોડાવા હાકલ કરી હતી.