સાત સ્થળોએ કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવેલા ટેસ્ટીંગ બૂથ અને એરપોર્ટ, બસ પોર્ટ તથા રેલવે સ્ટેશન પર મુસાફરોનું સ્ક્રિનિંગ બંધ કરવાની વિચારણાં

રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લાં 10 દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર પણ રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની વિચારણાં કરી રહી છે. દરમિયાન આગામી શનિવારથી કોર્પોરેશન દ્વારા સાત ટેસ્ટીંગ બૂથ અને બસ પોર્ટ, એરપોર્ટ તથા રેલવે સ્ટેશન પર મુસાફરોનું કરવામાં આવતું સ્ક્રિનિંગ બંધ કરી દેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોરોનાની ત્રીજી લહેરની આરંભ સાથે તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા બહારના શહેરોમાંથી રાજકોટ આવતા લોકોનું બસ પોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગ કરવામાં આવતું હતું. જરૂર જણાઇ તો શંકાસ્પદ મુસાફરોના ટેસ્ટીંગ પણ કરવામાં આવતા હતા. શહેરમાં અલગ-અલગ સાત સ્થળ કેકેવી ચોક, આકાશવાણી ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, લીમડા ચોક, ભક્તિનગર સર્કલ અને સોરઠીયાવાડી સર્કલ ખાતે ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા હતા.

જ્યાં હવે ટેસ્ટીંગ માટે આવતા લોકોનું પ્રમાણ દિનપ્રતિદિન સતત ઘટી રહ્યું છે. આવામાં આરોગ્ય શાખા દ્વારા આગામી સોમવારથી સાતેય ટેસ્ટીંગ બૂથ અને બસ પોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હાલ ચાલી રહેલી સ્ક્રિનિંગની કામગીરી બંધ કરવાની માંગણી કરી છે. જો કમિશનરને ગ્રાહ્ય રાખશે તો શનિવારથી ટેસ્ટીંગ બૂથ અને સ્ક્રિનિંગ બંધ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.