ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કરાશે દરખાસ્ત: કોર્પોરેશનને થશે લાખો રૂપિયાની આવક
રાજકોટ મહાનગર પાલિકાની પોતિકી કહી શકાય તેવી ટેક્સની આવક સિવાય અન્ય કોઇ આવક રહી નથી. આવામાં નવી-નવી હોર્ડિંગ્સ સાઇટ શોધી તેના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં 76 હોર્ડિંગ્સ સાઇટ અને 2500 કિયોસ્કના ટેન્ડર ફાઇનલ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે. જેના થકી કોર્પોરેશનને લાખો રૂપિયાની આવક થશે.
અલગ-અલગ વિસ્તારોમાં હોર્ડિંગ્સ સાઇટના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક થવા પામે છે. તાજેતરમાં એસ્ટેટ શાખા દ્વારા અલગ-અલગ રાજમાર્ગો પર 76 હોર્ડિંગ્સ સાઇટ અને 2500 કિયોસ્ક બોર્ડ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ સાઇટ માટેના કોન્ટ્રાક્ટ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. ટુંક સમયમાં કોન્ટ્રાક્ટ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે. દિવાળી પહેલા મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.