34 પગોડા અને સેન્ટ્રલી એ.સી. ડાયનિંગ હોલ ઉભો કરાયો: મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ સ્થળ મુલાકાત વ્યવસ્થાની સમીક્ષા કરી: વ્યવસ્થાપનમાં એન.સી સી., એન.એસ.એસ. ના 90 જેટલા વોલિયન્ટર્સની મદદ લેવાશે’
નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે હોકીની રમતો મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજવા જઈ રહી છે. જેની પૂર્વ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેદાન ઉપરાંત રમતોના સુચારુ આયોજન અર્થે હંગામી સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી હતી.
સંલગ્ન સેટઅપ અંગે માહિતી આપતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હોકી ગ્રાઉન્ડ ખાતે 34 જેટલા પગોડા (આર્ટિફિશયલ રૂમ) તેમજ સેન્ટ્રલી એ.સી. ડાયનિંગ હોલ જર્મન ડોમથી ઉભો કરવામાં આવ્યો છે. ખેલાડીઓ માટે ચેંજિંગ રૂમ, ટુર્નામેન્ટ ડાયરેક્ટર ઓફિસ, ટેક્નિકલ મેનેજમેન્ટ ઓફિસ, અમ્પ્યાર લોન્જ,એથ્લિટ્સ લોન્જ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, બ્રોડકાસ્ટ રૂમ સહિતની વ્યવસ્થા માટે વિવિધ સાઈઝના ડોમ ઉભા કરવામાં આવ્યા છે.આગામી તા. 30 સપ્ટેમ્બરના રોજ વિવિધ ટીમનું આગમન થશે, જેમને વિવિધ હોટેલ્સમાં ઉતારા આપવામાં આવ્યા છે.
ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાપનમાં મદદ માટે એન.સી સી., એન.એસ.એસ. ના 90 જેટલા વોલિયન્ટર્સની મદદ લેવાશે.હાલ ગ્રાઉન્ડ મેન્ટેનન્સ માટે જરૂરી સાધનોની તૈયારી પૂર્ણ થઈ ચુકી છે. ગ્રાઉન્ડ ખાતે બ્રાન્ડિંગ સહિતની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે, ઇન્ડોર સ્ટેડિયમ એન્ટ્રી થી ગ્રાઉન્ડ સુધી હોર્ડિંગ્સ, ફ્લેગ્સ લગાડવામાં આવશે. નવા ગોલ પોસ્ટ તેમજ પ્લેયર્સ ડગઆઉટ્સ, હોકીના બોલ્સ સહિતના સાધનો આવી ચુક્યા છે. હોકી ગુજરાતના અધિકારી હાલ રાજકોટમાં ઉપસ્થિત રહી સાધનોની સમીક્ષા અન્ય આનુસંગીક કામગીરી સાંભળી રહ્યા છે. કમિશનરની મુલાકાત વેળાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, સી.કે. નંદાણી, એ.કે. સીંગ, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.