રાજકોટ કોર્પોરેશનને મિલકત અને પાણી વેરે પેટે થતી આવકનો આંક આજે 300 કરોડને પાર થઇ ગયો છે. જો કે, હજુ ટાર્ગેટ 110 રૂપિયા છેટો છે. હવે રોજ બે કરોડની વસૂલાત કરવામાં આવે ત્યારે ટાર્ગેટ સુધી પહોંચી શકાય તેમ છે. જો કે ટેક્સ બ્રાન્ચના સૂત્રો એવું કહ્યું રહ્યા છે કે આ વર્ષે ટેક્સ બ્રાન્ચ આવકમાં તમામ રેકોર્ડબ્રેક કરશે.
29 મિલકતોને કરાઇ સીલ: 10ને ટાંચ જપ્તીની નોટિસ, પાંચ બાકીદારોના નળ જોડાણ કપાયા
આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 29 બાકીદારોની મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે 10 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. શહેરના વોર્ડ નં.9માં પોશ ગણાતા વિસ્તારમાં ગ્રીન સિટીમાં રૂ.68278નો વેરો વસૂલવા માટે એક નળ જોડાણ કપાત કરવામાં આવ્યું હતું. જ્યારે વોર્ડ નં.7માં જનતા સોસાયટીમાં બે નળ જોડાણ કપાત કરાયા હતા. આ ઉપરાંત દૂધસાગર રોડ અને શિવજી સોસાયટીમાં પણ બાકીદારોના નળ જોડાણને કાપી નાંખવામાં આવ્યા હતા. મહિકા માર્ગ પર મારૂતિ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી દેવામાં આવી છે. 410 કરોડના ટેક્સના ટાર્ગેટ સામે આજે ટેક્સ પેટે થતી આવકનો આંક 300 કરોડને પાર થઇ ગયો છે.