દેશભરમાં પ્રથમવાર રાજકોટ મહાપાલિકા દ્વારા તમામ સેવાઓ હવે વોટ્સએપ પર આપશે

મહાપાલિકાની તમામ સેવાઓ વોટ્સએપ પર ઇન્ટિગ્રેટ કરવા 38 લાખનું કવોટેશન આવ્યા બાદ આઇટી વિભાગે ઇનહાઉસ એપ બનાવી લાખો રૂપિયા બચાવ્યા: કોર્પોરેશન ઓન વોટ્સએપ અંગે બજેટમાં કરાયેલી જાહેરાત બાદ હવે ટૂંકમાં સેવાઓ શરૂ કરાશે: ફરિયાદોનું ફોટો સાથે રજીસ્ટ્રેશન, ટેન્ડરની વિગત અને સ્પોર્ટ્સ ફેસેલિટી પણ હવે આંગળીના ટેરવે

દેશભરમાં પ્રથમવાર રાજકોટવાસીઓને મહાપાલિકા તમામ પ્રકારની સેવાઓ વોટ્સએપના માધ્યમથી ઉપલબ્ધ કરાવશે. ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં આ અંગેની ઘોષણા કરાયા બાદ હવે કોર્પોરેશન ઓન વોટ્સએપ પ્રોજેક્ટ સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે. ખૂબ જ નજીકના દિવસોમાં રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સ, વોટર ચાર્જીસ, પ્રોફેશનલ્સ ટેક્સ અને જન્મ-મરણના પ્રમાણપત્ર વોટ્સએપના માધ્યમથી મળવા લાગશે. પ્રથમ તબક્કામાં અલગ-અલગ સેવાઓ શરૂ કરાયા બાદ ક્રમ અનુસાર આ પ્લેટફોર્મમાં મોટાભાગની સર્વિસને આવરી લેવામાં આવશે તેવી ઘોષણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ આ અંગે વધુ માહિતી આપતા ઉમેર્યું કે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનની સેેવાઓ વોટ્સએપ પર આપવા સહિતની 25 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. એકમાત્ર ભારત દેશમાં કોઇ સ્થાનિગ સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકોને તમામ સેવાઓ વોટ્સએપ પરથી આપવાનું શરૂ કરવામાં આવશે તેવું પ્રથમવાર રાજકોટ મહાપાલિકા દ્વારા કરવામાં આવશે. હાલ પંજાબમાં અમુક સ્થાનિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. પરંતુ તેમાં અમુક જ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. પીન આધારિત ફરીયાદ નિવારણ સેવા બાદ આ બીજી એવી સેવા હશે. જેમાં નાગરિકોએ સામાન્ય ફરીયાદ માટે કોર્પોરેશનની કચેરીએ આવુ નહીં પડે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમય અને આધુનિક ટેકનોલોજી સાથે તાલ મીલાવી શહેરીજનોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે ઇ-ગવર્નન્સના પ્રોજેકટ હેઠળ મહાનગરપાલિકાની અલગ અલગ સેવાઓને મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે.

હાલમાં વોટ્સએપએ વિશ્વભરમાં મોબાઈલમાં સૌથી વધારે વપરાતી ચેટ એપ્લીકેશન છે, જે ઉપયોગમાં ખૂબ જ સરળ છે. વોટ્સએપ લોકોને ટેક્સ્ટ મેસેજ, મલ્ટીમીડિયા મેસેજ, ઓડિયો – વીડીયો ફાઈલો, પીડીએફ ફાઈલો       વગેરેની સરળતાથી આપ-લે કરી શકાય તેવી સુવિધા પ્રોવાઈડ કરે છે.

સ્થાયી સમીતી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની તમામ સેવાઓ વોટ્સએપ પર મળી રહેશે તે પ્રકારની જાહેરાત ગત બજેટમાં જાહેર કરેલ છે. આ અંગે મહાનગરપાલિકાનાં આઈટી વિભાગ દ્વારા વોટ્સએપ ઓટોમેટીક ચેટ-બોટ બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. આ અંગે આ પ્રાકારનાં ચેટબોટ બનાવતી જુદી જુદી કંપની પાસેથી આ અંગેનું એસ્ટીમેટ મંગાવવામા આવેલ જેમા પાર્ટીઓ દ્વારા મહાનગરપાલિકાની તમામ સેવાઓને વોટ્સએપ પર ઇંટીગ્રેટ કરવા માટે અંદાજીત 38 લાખનું ક્વોટેશન આપવામાં આવેલ ત્યાર બાદ આ ડેવલપમેન્ટ ઇનહાઉસ જ કરવા નક્કી કર્યુ અને આ માટે વોટ્સએપ  સાથે ઈંટીગ્રેશન માટે જરૂરી વોટ્સએપ બીઝનેસ એપીઆઇ જ વોટ્સએપ દ્વારા ઓથોરાઈઝ્ડ કરવામાં આવેલ હોય એવી પાર્ટી પાસેથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આઈટી વિભાગ દ્વારા વોટ્સએપ પર ચેટ બોટ ઈનહાઉસ બનાવવામાં આવેલ છે અને વોટ્સએપ બિઝનેસ એપીઆઇ માટે ટેન્ડર દ્વારા ભાવ મંગાવવામાં આવેલ જેમાં રૂટ મોબાઇલ લીમીટેડ સીલેક્ટ થયેલ છે અને તેઓ દ્વારા વોટ્સએપ બીઝનેસ એપીઆઇ ત્રણ વર્ષ માટે ફ્રીમાં આપવામાં આવેલ છે. જે અંતર્ગત ચેટ બોટ પર કોઈ પણ સીટીઝન દ્વારા મેસેજ કરવામાં આવે અને ચેટ શરૂ કરવામાં આવે તેમાં રાજકોટ મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહી. આમ આ ચેટ બોટ મહાનગરપાલિકાને ત્રણ વર્ષ માટે વિના મુલ્યે ચાલશે.

ઉપરોક્ત ચેટ બોટ સીવાય વોટ્સએપ બિઝનેસ એપીઆઇ દ્વારા મહાનગરપાલિકા પોતાની અન્ય સેવાઓ માટે પણ શહેરીજનોને વોટ્સએપ પર મેસેજ દ્વારા જાણ કરી શકશે અને ભવિષ્યમાં આ સેવાઓ મારફત શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા ઈસ્યુ કરવામા આવતા જરૂરી તમામ ડોક્યુમેન્ટ/ વિગતો આસાનીથી વોટ્સએપ પર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

વોટ્સએપ પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ મેળવવી નાગરીકો માટે ખુબજ શરળ બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા એક નંબર જાહેર કરવામા આવશે. જે નંબર પર તમામ સેવાઓ મળી રહેશે.

પ્રોપર્ટી ટેક્સ

  • પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ અને ઓનલાઇન ભરપાઇ
  • પ્રોપર્ટી ટેક્સનાં જુના વર્ષનાં તેમજ ચાલુ સાલનાં બીલ (પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)
  • પ્રોપર્ટી ટેક્સની રીસીપ્ટ(પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)

વોટર ચાર્જીસ

  • વોટર ચાર્જીસની બાકી રકમ અને ઓનલાઇન ભરપાઇ
  • વોટર ચાર્જીસની જુના વર્ષનાં તેમજ ચાલુ સાલનાં બીલ(પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)
  • વોટર ચાર્જીસની રીસીપ્ટ(પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)

પ્રોફેશન ટેક્સ

  • પ્રોફેશન ટેક્સની બાકી રકમ અને ઓનલાઇન ભરપાઇ
  • પ્રોફેશન ટેક્સની જુના વર્ષનાં તેમજ ચાલુ સાલનાં બીલ(પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)
  • પ્રોફેશન ટેક્સની રીસીપ્ટ (પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)

જન્મ મરણનાં પ્રમાણ પત્રો       

  • જન્મ તેમજ મરણનાં પ્રમાણપત્ર(પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે)
  • સ્પોર્ટ્સ ફેસેલીટી માટે રજીસ્ટ્રેશનની વિગત અને રીસીપ્ટ ડાઉનલોડ
  • ફરીયાદનું ફોટો સાથે રજીસ્ટ્રેશન થઈ શકશે
  • વાહન વેરાની વિગત અને રીસીપ્ટ ડાઉનલોડ
  • મહાનગરપાલિકાનાં ટેન્ડર
  • જુદી જુદી ભરતીઓ અંગેની જાહેરાત

ઉપરોક્ત સેવાઓ સિવાય અન્ય સેવાઓ પણ ક્રમાનુસાર આ પ્લેટફોર્મ પર આવરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.