આજે પણ રાજકોટમાં યેલો એલર્ટ જાહેર: સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં બે દિવસ હીટવેવની આગાહી

રાજકોટવાસીઓ જાણે અગનભઠ્ઠીમાં સેકાઈ રહ્યા હોય તેવા આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે. બુધવારે મહતમ ૪૩.૩ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. આજે પણ રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી બે દિવસ સિવિયર હીટવેવની આગાહી આપવામાં આવી હોય અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પણ વટાવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ચાલુ સાલ ઉનાળાની સીઝનના આરંભે જ જે રીતે કાળઝાળ તડકા પડી રહ્યા છે તેનાથી જનજીવન રીતસર આકુળ વ્યાકુળ થઈ ગયું છે. માર્ચના અંતિમ દિવસોમાં શ‚ થયેલા આકરા તડકા એપ્રિલના આરંભે ચાલુ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સતત હીટવેવની આગાહી આપવામાં આવી રહી છે. ગઈકાલે રાજકોટમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જોકે મહતમ તાપમાનનો પારો ૪૩.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાતા ઓરેન્જ એલર્ટ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બુધવારે રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. આજે પણ શહેરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બુધવારે રાજકોટનું મહતમ તાપમાન ૪૩.૩ ડિગ્રી, અમરેલીનું તાપમાન ૪૨.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન ૪૨.૮ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૨.૫ ડિગ્રી, ડિસાનું તાપમાન ૪૨.૨ ડિગ્રી, પોરબંદરનું તાપમાન ૩૪ ડિગ્રી, વેરાવળનું તાપમાન ૩૪.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આગામી ૪૮ કલાક સુધી હજી હીટવેવની આગાહી આપવામાં આવી હોય આજે પણ રાજયમાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને ઓળંગે તેવી સંભાવના જણાઈ રહી છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સુમારે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી સર્જાય જતી હોય તેવો માહોલ જોવા મળે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.