ફિલ્મ સ્ટાર માધવનના પુત્ર વેદાંત સહીત નેશનલ ચેમિપ્યન્સ ઉપસ્થિત રહે તેવી સંભાવના
અબતક, રાજકોટ
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે.રાજકોટ ખાતે હોકી તેમજ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાવા જઈ રહી છે. જેની જોરશોરથી તૈયારીઓ તંત્ર તેમજ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા શરુ કરી દેવામાં આવી છે.મહાનગરપાલિકા સંચાલિત સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેકસને નવા રૂપરંગ સાથે સજ્જ કરવામાં આવી રહ્યો છે. હાલ સ્વિમિંગ પુલ ખાતે રીનોવેશન, ફિલ્ટર પ્લાન્ટ મેન્ટેનન્સ, કલરકામ, ફ્લોરિંગ, લાઈટિંગ્સ સહિતની કામગીરી ચાલી રહી છે.
રાજકોટ ખાતે યોજાનારી સ્વિમિંગ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 500 થી વધુ સ્વિમર્સ ભાગ લેવા જઇ રહ્યા છે.. ફિલ્મ સ્ટાર આર. માધવનના પુત્ર વેદાંત માધવન પણ ભાગ લે તેવી સંભાવના હોવાનું રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના સેક્રેટરી અને કોચ શ્રી બંકિમ જોશી જણાવે છે. આ સાથે આંતરરાષ્ટ્રીય તરવૈયાઓ સજ્જન પ્રકાશ, હરિ નટરાજન, તેમજ ગુજરાતના સ્ટાર માના પટેલ ઉપરાંત આર્યન નહેરા, અંશુલ કોઠારી, દેવાંશ પંચાલ, કલ્યાણી સક્સેના સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લેશે.સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને ઇન્ટરનેશનલ રેફરી શ્રી કમલેશભાઈ નાણાવટી સહીત સ્ટાર્ટર, ટાઈમ કીપર, રેકોર્ડર, ચીફ ઇન્સ્પેકટર ઓફ ટર્ન્સ, જજ સહિત 150 જેટલા ટેક્નિકલ ઓફિશ્યલ્સ સેવા આપશે.
રાજકોટ સ્વિમિંગ એસોશિએશનના પ્રમુખ ઉમેશભાઈ રાજ્યગુરુના સતત પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ખાતે આ પૂર્વે 2016 માં રિયો ઓલમ્પિક ઓપન નેશનલ ટુર્નામેન્ટ, વર્ષ 2012 માં સબ જુનિયર, 2019 માં જુનિયર અને સબ જુનિયર તેમજ જૂન 2022 માં સબ જુનિયર ચેમ્પિયનશિપ સફળતાપૂર્વક યોજાઈ છે. જેના કારણે નેશનલ ગેમ્સ માટે રાજકોટને હોસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું હોવાનું બંકીમભાઇ જણાવે છે. નેશનલ ગેમ્સમાં રાજકોટ સહભાગી થતા રાજકોટની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે, તેમજ રાજકોટીયન્સને સ્પર્ધાનો લ્હાવો મળશે.