૧૫મી ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે યોજાનારા સેમીનારમાં એવોર્ડ એનાયત કરાશે
દેશ વિદેશમાં અનેક શાખા સંસ્થાઓમાં પથરાયેલ સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના પૂર્વ પ્રિન્સિપાલ વી. ડી. વઘાસિયાની ગ્લોબલ એચીવર્સ ફાઉન્ડેશન, દિલ્હી દ્વારા ” નવભારત રતન એવોર્ડ ” માટે પસંદગી કરવામાં આવી છે.
પંદરમી ફેબ્રુઆરીના રોજ દિલ્હી મુકામે મળનાર રાષ્ટ્રીય સમીટમાં, રાષ્ટ્રીય મહાનુભાવો અને ગણમાન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે કરેલા શૂન્ય નિવેશ અને અભિનવ પ્રયોગો અંતર્ગત શિક્ષણમાં લાવેલા સુધાર માટેની કામગીરી બદલ વઘાસિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વઘાસિયા આ અગાઉ પણ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક, સુભદ્રા બેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, ભારત શિક્ષા રતન, વિવેકાનંદ યુથ ક્લબ એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યા છે. આ તકે સ્વામિનારાયણ ગુરુકુળના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ શુભાશિષ સહ અભિનંદન પાઠવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય, શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડયા અને રાજ્ય આચાર્ય સંઘ મહામંડળના અન્વેષક ભૂપેન્દ્રસિંહ જાડેજાએ અભિનંદન પાઠવ્યા છે.