કાશ્મીરથી ચરસની ડીલીવરી આવ્યાની અને પેમેન્ટ બેન્કમાં જમા કરાવી ચુકવ્યાની કબુલાત
જેતપુરની દરગાહ પાસેથી રૂ.૬ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછ દરમિયાન કાશ્મીરથી ડીલીવરી આવ્યાની અને બેન્કમાં રકમ જમા કરાવી પેમેન્ટ ચુકવ્યાની કબુલાત આપી છે. નશીલા પદાર્થના મુળ સુધી પહોચવા પોલીસે સિપાઇ શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
જેતપુરના નવાગઢ ગેસના ગોડાઉન પાસે ખાટકીવાસમાં રહેલા સલીમ સીદીક શમા નામનો શખ્સ દરગાહ પાસે ચરસનું વેચાણ કરતો હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી.પી.આઇ. એમ.એન.રાણા, પી.સ.આઇ. વાય.બી.રાણા, હેડ કોન્સ્ટેલ વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા અને રણજીતભાઇ ધાધલ સહિતના સ્ટાફે જેતપુરમાં ચરસ અંગે દરોડો પાડી સલીમ શમાને રૂ.૬ લાખની કિંમતના ૬૨૫ ગ્રામ ચસર સાથે ઝડપી લીધો છે.
સલિમ શમાની પૂછપરછમાં તે અજમેર ઉર્ષના મેળામાં ગયો હતો ત્યારે ત્યાં કાશ્મીરના મહંમદ નામના શખ્સનો પરિચય થયો હોવાની અને તેની પાસેથી ચરસની ખરીદી કરી હોવાની કબૂલાત આપી છે.
કાશ્મીરના મહંમદનો કેરીયર જેતપુર આવીને ચરસની ડીલીવરી કરી ગયા બાદ તેનું પેમેન્ટ બેન્કમાં જમા કરાવીને ચૂકવ્યાની કબૂલાત આપી છે. રાજકોટમાંથી ઝડપાયેલો ચરસનો જથ્થો પણ કાશ્મીરથી આવ્યાનું ખુલતા બંનેનું કનેકશન એક જ હોવાની શંકા સાથે પોલીસે માદક પદાર્થના નેટવર્કના મુળ સુધી પહોચવા સલિમ શમાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.