ફુડ પોઇઝનીંગથી મોત થયાની શંકા: પુરતુ ખાવાનું ન મળતા ગાયોએ દમ તોડયાનો આક્ષેપ
શહેરમાં શીતલ પાર્ક પાસે આવેલી બાપા સીતારામ ગૌશાળામાં ગઇકાલે અચાનક શંકાસ્પદ રીતે એક સાથે ૩૦ થી વધુ ગાયોના મોત નિપજતા માલધારીઓમાં ગમગીની છવાઇ રહી છે.
જેમાં અધિકારીઓ દ્વારા ફુડ પોઇઝનીંગની અસર થઇ હોવાની શંકા દર્શાવી છે. જયારે સ્થાનીકોને ગાયોનું ભુખમરાથી મોત નિપજયાના આક્ષેપ કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રૈયા વિસ્તારમાં આવેલી બાપા સીતારામ ગૌશાળામાં ગઇકાલે સાંજના સમયે એક પછી એક ટપોટપ ૩૦ થી વધુ ગાયોના મોત થયા હતા. ઘટના અંગે જાણ થતાં મહાનગરપાલિકાના વેટરનીટી તબીબને ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
જેના પગલે તબીબે ગાયોનું ફુડ જોઇઝનીંગના કારણે મોત નિપજયાની શંકા વ્યકત કરી હતી. જયારે ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે ગૌશાળામાં ૩૪ર ગાયો છે. જે શહેરમાંથી મનપા ટીમ પકડી અત્રે મુકી જાય છે. ગઇકાલે ઝેરી લીલો ઘાસચારો આરોગવાથી ગાયોના મોત નિપજયાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યા મુજબ દાતાઓએ મોકલાવેલ ઝેરી ઘાસ આરોગ્ય બાદ પાણી પીધા બાદ ગાયોની હાલત લથડવા લાગી હતી. ત્યારબાદ એકાએક ટપોટપ ૩૦ થી વધુ ગાયોનું મોત નિપજયું હતું. જયારે બાપા સીતારામ ગૌશાળાની આસપાસ રહેતા સ્થાનીકોએ જણાવ્યું હતું કે ગૌશાળામાં આવતી ગાયોને પુરતો ખોરાક કે ધાસચારો મળતો ન હોવાથી ગાયોની હાલત કફોડી થયા બાદ ગાયોના મોત નિપજયાનો આક્ષેપ કર્યો હતો.
ઘટના મામલે મનપાના અધિકારીઓ અને વેટરનરી તબીબ ગાયોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગાયોના મોત પાછળનું સચોટ કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી છે. જયારે સ્થાનીકોએ ઘટનાની ગંભીરતા સમજી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.