જીપીએસસીની પરીક્ષાની તૈયારી માટે લાયબ્રેરીએ ગયા બાદ ગુમ: શાપર નજીક બેભાન હાલતમાં મળી
મોતનું કારણ જાણવા પેનલ તબીબો દ્વારા ફોરેન્સીક પી.એમ. કરાવાયું: શાપર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
શાપર વેરાવળના કિસાન ગેઇટ પાસે સંક્રાંતની આગલી રાતે 13મીએ અજાણી યુવતિ અર્ધબેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતિની બાદમાં ઓળખ થઇ હતી. જે રાજકોટ દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટર પાસે અમરનગર-1માં રહેતી શિતલબેન મહેશ ચનીયારા (ઉ.24) નામની કોળી પરિણીતા હોવાનું ખુલ્યું હતું.
આ પરિણીતા અને તેનો પતિ મહેશ એમ બંને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતાં હતાં. 13મીએ લાયબ્રેરીમાં વાંચન માટે નીકળ્યા બાદ ઘરે ન આવતાં શોધખોળ બાદ ગૂમ થયાની જાણ પોલીસને કરાઇ હતી. તેણી બેભાન હાલતમાં મળી હોઇ શાપર પાસે જઇ ઝેરી પ્રવાહી પી લીધું કે પછી બીજુ કઇ બન્યું? તેનું મોત કયા કારણોસર થયું? તે જાણવા શાપર પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.
જાણવા મળ્યા મુજબ ગયા ગુરૂવારે રાતે શાપરના કિસાન ગેઇટ નજીક એક યુવતિ અર્ધબેભાન હાલતમાં પડી હોવાની જાણ થતાં 108 પહોંચી હતી. તેના ઇએમટી સંજયભાઇ રાઠોડ અને પાયલોટે તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તબિબે તેનું નામ સરનામુ પુછવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કંઇ બોલી શકી નહોતી. યુવતિ કોણ છે?
કિસાન ગેઇટ પાસે અર્ધબેભાન કઇ રીતે થઇ ગઇ? એ સહિતના મુદ્દે શાપર પોલીસે તપાસ હાથ ધરી હતી.દરમિયાન થોરાળા પોલીસમાં દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ પાસે રહેતી શિતલ ચનીયારા ગૂમ થયાની જાણ થઇ હોઇ તેના આધારે તપાસ કરતાં અર્ધબેભાન મળેલી યુવતિ શિતલ જ હોવાનું સ્પષ્ટ થયું હતું. તેણીને સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ગત રાતે તેણીએ દમ તોડી દીધો હતો.
મૃત્યુ પામનાર શિતલના માવતર બાબરા રહે છે. તેણીના ત્રણ વર્ષ પહેલા રાજકોટના મહેશ ચનીયારા સાથે લગ્ ન થયા હતાં. શિતલ અને પતિ મહેશ બંને જીપીએસસીની પરિક્ષાની તૈયારી કરતાં હતાં. શિતલ દરરોજ બપોર બાદ ઘરેથી માલવીયા ચોક પાસેની લાયબ્રેરીમાં વાંચન માટે જતી હતી અને સાંજે છએક વાગ્યે પરત આવી જતી હતી. 13મીએ લાયબ્રેરીએ ગયા બાદ પાછી ન આવતાં શોધખોળ શરૂ કરાઇ હતી અને બાદમાં ગૂમ થયાની પોલીસને જાણ કરાઇ હતી.
શિતલ છેલ્લે ભુતખાના ચોકમાંથી કોઇ રિક્ષામાં બેઠી હતી. તેમાં બીજી બે મહિલા પણ હતી. આટલી અધકચરી વાત તે થોડી ભાનમાં આવી ત્યારે કરી હતી. જો કે શાપરના કિસાન ગેઇટ સુધી કઇ રીતે પહોંચી? બેભાન શા માટે થઇ ગઇ? આ બધા મુદ્દે પોલીસે તપાસ આદરી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ મોતનું કારણ બહાર આવ્યે પોલીસ આગળ તપાસ કરશે