દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે મેડિસન અને ઓર્થોપેડીક વિભાગની જગ્યા વધારાશે: દવા બારી અને કેસ બારીએ ખાસ ધ્યાન આપવા માટે આરએમઓને તાકીદ કર્યા
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે. ત્યારે રોજની 2000થી પણ વધુ ઓપીડી આવતી હોવાથી તેમને ત્વરિત સારવાર મળી રહે અને સવલતોમાં પણ વધારો થાય તે અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ આજરોજ સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગમાં બુધવારે દર્દીઓનો ધસારો પણ વધુ રહેતો હોય છે. જેમાં અનેક વખત દર્દીઓની વધુ સંખ્યા સામે પહોંચી વળવા માટે સિવિલ તંત્ર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે આજરોજ ઓપીડી વિભાગમાં જ તબીબી અધિક્ષક ડો.ત્રિવેદીએ રાઉન્ડ લીધા હતા અને જરૂરી સૂચનો કર્યા હતા.
આ અંગે સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજરોજ રાઉન્ડ દરમિયાન એક કેસબારી બંધ હોવાથી તુરંત સૂચનો આપી બારી ચાલુ કરવા માટે ઇન્ચાર્જ અને એ.એચ.એ. અને આર.એમ.ઓ.ને સૂચન કરતા હતા. તે ઉપરાંત પહેલા માળે ચાલતા પીએમજેવાય કાઉન્ટરને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ચાલુ કરવા તાકીદ કર્યા હતા.
બીજી તરફ સૌથી વધુ ભીડ ધરાવતા દવાબારી ખાતે તબીબી અધીક્ષકે ખાસ ટકોર કરતા કહ્યું હતું કે દવા લેવા આવતા દર્દીઓ કે તેમના સબંધીઓ સાથે માનવતા ભર્યું વલણ દાખવવા માટે સૂચના આપી હતી. એટલું જ નહિ કોઈ પણ વ્યક્તિ દવા લેવા માટે આવે તો તેમના સવાલોના જવાબ આપવા માટે કર્મચારી બંધાયેલા હોવાનું પણ કહ્યું હતું.
તબીબી અધિક્ષક ડો.ત્રિવેદીએ ઓપીડી વિભાગમાં પહેલા અને બીજા માળે રાઉન્ડ લીધા હતાં. આ સાથે તેઓએ નર્સિંગ ઓફિસ અને આર.એમ.ઓ. ઓફિસમાં પણ રાઉન્ડ લીધા હતા. નર્સિંગ સ્ટાફમાં પણ અધિક્ષક દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
તો બીજી તરફ સુપરિટેન્ડેન્ટ દ્વારા ભારે ભીડ ધરાવતા વિભાગ મેડીસીન અને ઓર્થોપેડીક વિભાગની જગ્યા વધારવા માટે પણ તાકીદ કર્યું હતું. જેથી આ બંને વિભાગમાં જોવા મળતો દર્દીઓનો ધસારો હળવો થાય અને દર્દીઓને વધુ સવલતો મળી રહે.