ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલે આગવી સુઝબુઝથી બાળ દર્દીનું ઓપરેશન કરી તેને નવજીવન પ્રદાન કર્યું
કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર પિડીયાટ્રીક વિભાગ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 ના બાળ દર્દીઓ તથા અન્ય દર્દીઓને જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનેક બાળ દર્દીઓ પીડીયાટ્રીક વિભાગના ડોક્ટરોની શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે.
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતા બાળકો જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવીજ ધટના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે રહેતા ચાર વર્ષના બાળક ભરતને છેલ્લા 3 દિવસથી તાવ શરદી ઉધરસ જેવી અસર થતા ડોક્ટરની દવા લીધી હતી. પરંતુ તેનાથી ફેર ના પડતાં તેઓ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા પરિવારજનો પર આફત વરસી પડી હતી. બાળકને ઘરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બાળકનું પેટ ફુલી રહ્યં હતું અને વારંવાર ઉલટી થવાના કારણે ડોક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો. ડોક્ટરના અભિપ્રાય મુજબ બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યો. ઉપરાંત, તેને આંતરડાના સૌથી નીચે આવેલી આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સમાં ઈન્ફેક્શન વધતું હતું. જેને કારણે પેટ ફુલવાની પણ સમસ્યા અને ઉલટી પણ વારંવાર થતી હતી. રાજકોટ સિવિલના કે.ટી ચિલ્ડ્રનમાં વિભાગમાં દાખલ કરીને જરૂરી સારવાર આપીને તેના જરૂરી રીપોર્ટ કરવામાં આવ્યા. ડોક્ટરોએ ભરતના એક્સ-રે સોનોગ્રાફીના રિપોર્ટની ગંભીરતા જોઈને તુરંત જ ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. એપેન્ડિક્સમાં લાગેલું ઇન્ફેક્શન સમગ્ર શરીરમાં ના ફેલાય એ વાતને ધ્યાને રાખીને લેપ્રોટોમી (પેટ ખોલીને કરવામાં આવતું ઓપરેશન) પદ્ધતિ વડે રાત્રીના દસ વાગ્યે એક કલાકની ભારે જહેમતબાદ બાળકનું ઓપરેશન કરીને ડોક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલે એક પરિવારના જીવનદીપને નવજીવન પ્રદાન કર્યું. આ ઓપરેશનમાં ડોક્ટર અંજના તથા ડો રવિના વીંછી સહિત તમામ સ્ટાફે ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે.
ચાર વર્ષિય બાળક ભરતના પિતા દેવાયતભાઈ કારોતરા એ જણાવતા કહ્યુ હતું કે, મારો દિકરો કોરોના સંક્રમિત થયો ત્યારે અમે ગભરાઈ ગયા હતા. તેમજ તેને પેટમાં દુખતુ હોય અને ઉલ્ટી થતી હતી એટલે ધોરાજીમાં ડોકટરને બતાવતા તેમણે રાજકોટ સિવીલ હોસ્પીટલ રીફર કરી. સિવીલમાં જરૂરી રીપોર્ટ કરીને સારવાર કરી. ઓપરેશનની વાત કરી ત્યારે અમે ખુબ જ ડરી ગયા હતા. ડોક્ટર સાહેબે બધુય સમજાવ્યું અને અમારી બીક દૂર કરીને ઓપરેશન કરીને અમારા છોકરાને નવી જીંદગી આપી. ડોક્ટરનો આભાર માનીએ એટલો ઓછો છે.અહીંયા અમને ખુબ જ સારી સારવાર અને સેવા આપવામાં આવે છે. ચોખ્ખાઈ અને સ્વસ્થતા એકદમ સારી છે. ખાનગી હોસ્પિટલમાં મળે એના કરતાંય સારી સુવિધા ઉપલબ્ધ છે.. ડોક્ટરો પણ સમયસર આવીને બાળકનું ચેક અપ કરે છે. મારા દિકરા ભરતની તબિયત ખુબ જ સારી છે. આટલી સારી સારવાર આપવા બદલ સિવિલ હોસ્પીટલના તમામ સ્ટાફનો ખુબ આભાર.
કોવિડ -19 દરમ્યાન રાજકોટ સિવીલ હોસ્પીટલના પીડીયાટ્રીક વિભાગમાં નવજાત શીશુ થી લઈને 12 વર્ષની ઉંમર સુધીના ઘણા બાળકો જેને શ્વાસની તકલીફ હોય તેવા બાળકોને ખાનગી હોસ્પિટલમાંથી રીફર થઈને આવતા બાળકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. જે બાળકોનો ટેસ્ટ પોઝીટીવ આવે તેની પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવે છે.
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન મનાતા બાળકોની સારવાર અને શુશ્રૃષા કરતા સિવિલના ડોક્ટરોની કામગીરી જોઈને માતા-પિતાઓ લાખ-લાખ દુવાઓ આપે છે.