માલધારીઓ, ગૌરક્ષકો અને જીવદયાપ્રેમીઓનો કોર્પોરેશનમાં સૂત્રોચ્ચાર: મેયરને રજૂઆત
કોર્પોરેશન દ્વારા હાલ રાજમાર્ગો પરથી રખડતા ઢોરને ડબ્બે પૂરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગાય પર વધુ ફોક્સ કરવામાં આવતો હોવાનો આક્ષેપ માલધારીઓ અને ગૌરક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે. રાત્રી દરમિયાન રોડ પરથી ઢોર પકડવાનું બંધ કરી અને હાજર દંડ વસૂલી ઢોરને છોડવાનું શરૂ કરવા માટેની માંગણી સાથે મેયરને રજૂઆત કરવામાં આવી છે.
આજે ઉઘડતી કચેરીએ માલધારી સમાજના લોકો, ગૌરક્ષકો અને જીવદયાપ્રેમઓનું ટોળું કોર્પોરેશનની કચેરીએ ધસી આવ્યું હતું. જ્યાં તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને ત્યાં તેમણે એવી માંગણી કરી હતી કે દિવસ દરમિયાન રાજમાર્ગો પરથી ઢોર પકડવામાં આવે છે તેની સામે વાંધો નથી પરંતુ હાલ રાત્રિ કર્ફ્યુ છે ત્યારે રાત્રે રખડતા ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી છે તેવું બહાનું આપી ઢોરને પકડવા યોગ્ય નથી.
રાત્રે ઢોર પકડની કામગીરી બંધ રાખવાની પણ તેઓએ માંગણી કરી હતી. આ ઉપરાંત ઢોર પકડાયા બાદ ઢોર છોડાવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ છે ત્યારે છોડાવવાની પ્રક્રિયામાં પોલીસ ઇન્કવાયરી અને એનઓસીની પ્રોસેસ બંધ કરી હાજર દંડ વસૂલીને ઢોર છોડવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.