બાળકોમાં કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશનના નિદાન અને ફોરેન્સિક મેડીસીનની મદદથી અજાણ્યા અસ્થિઓમાં રહેલા રહસ્યો જાણી શકાશે
રાજકોટ નજીક સાકાર થઈ રહેલી એઈમ્સ હોસ્પિટલ ખાતે સંસ્થાના વડા તેમજ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કર્નલ પ્રોફેસર ડો. સી.ડી.એસ. કટોચ દ્વારા એનાટોમી ડીપાર્ટમેન્ટની એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડો. કટોચે આ લોકોપયોગી લેબોરેટરીનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે, એઇમ્સ રાજકોટ રાજયના તમામ વ્યકિતના સ્વાસ્થ્યની જાળવણી માટે સતત કાર્યશીલ છે, તેના જ ભાગ સ્વરુપે એઇમ્સ ખાતે એન્થ્રોપોલોજી લેબોરેટરી કાર્યરત બનતા દર્દીઓના નિદાન – સારવાર સુવિધામાં વધારો થશે.
એનાટોમી ડીપાર્ટમેન્ટના વડા ડો. સિમ્મી મેહરાએ આ લેબોરેટરી અંગે માહિતી આપતાં કહ્યુ કે એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીમાં આધુનિક તેમજ પરંપરાગત સાધનોની મદદથી માનવ શરીરના અલગ અલગ મેઝરમેન્ટ લઈ બોડી કમ્પોઝીશન અને વિવિધ કાર્યરત ગણતરી કરવામાં આવે છે. જેમકે સ્કીન ફોલ્ડ થીકનેસ, બી.એમ.આઈ, બોડી ફેટ વગેરે. સેન્ટર ઓફ ડીસીઝ ક્ધટ્રોલ અને પ્રીવેન્શન મુજબ હાલના સમયમાં બાળકોમાં જોવા મળતા કુપોષણ, ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશન જેવા રોગોના નિદાનમાં એન્થ્રોપોમેટ્રી સહાયક થશે.
આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં પણ પોષણની સ્થિતિ જાણી શકાશે. એન્થ્રોપોમેટ્રી રમતવીરોની ફિટનેસ ટ્રેનિંગમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. ફોરેન્સિક મેડીસીનની મદદથી આ જ લેબોરેટરીમાં અજાણ્યા અસ્થિઓમાં રહેલા રહસ્ચો જાણી શકાશે જે પોલીસને ઘણા ગુનાઓ ઉકેલવામાં મદદરુપ સાબિત થશે. કર્નલ પ્રોફેસર ડો. સી.ડી.એસ. કટોચે ઉમેર્યું હતું કે આવતી કાલનું ભવિષ્ય તેવા બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દરેક બાળકના એન્થ્રોપોમેટ્રીક મેઝરમેન્ટ નિયમિત થવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એઈમ્સ ખાતે ટેલિમેડીસીન સેવા ઉપરાંત તાજેતરમાં ફેફસાની કાર્યક્ષમતાનો ક્યાસ કાઢી આપતા મશીન “બોડી પ્લેથિસ્મોગ્રાફી” તેમજ ફેફસા અને હૃદયને લગતા રોગના નિદાન માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં કેમ્પના આયોજન થકી એઈમ્સ હોસ્પિટલ મહત્તમ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે, તેમ પણ કટોચે જણાવ્યું છે