વિધાનસભાની ચૂંટણી વર્ષમાં કેટલીક નવી યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી સંભાવના: મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટના કદમાં સામાન્ય વધારો પણ કરાશે
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2021-22નું રિવાઇઝડ બજેટ અને વર્ષ-2022-23નું સામાન્ય બજેટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગત્ બીજી ફેબ્રુઆરીના રોજ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. રૂા.2334.94 કરોડના બજેટમાં વાહન વેરામાં વધારો કરી રાજકોટવાસીઓ પર રૂા.15 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે.
બજેટ પર સતત એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ આવતીકાલે સવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવશે. ચાલુ સાલ વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય મતદારોને રિઝવવા માટે બજેટમાં કેટલીક આકર્ષક યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા બજેટના કદમાં થોડો વધારો કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
દર વર્ષની પરંપરા મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિ.કમિશનર દરખાસ્ત સ્વરૂપે બજેટ રજૂ કરે છે
અને તેના પર એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ નવી યોજનાઓનો સમાવેશ કરી અમુક યોજનાઓ રદ્ કરી સ્ટેન્ડિંગ દ્વારા બજેટને બહાલી આપવામાં આવતી હોય છે. ગત્ બીજી ફેબ્રુઆરીના રોજ મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા રૂા.2334.94 કરોડ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વાહન વેરાના વર્તમાન દરમાં 150 થી 300 ટકા સુધીનો તોતીંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.
વાહન વેરાના વધારાથી વાર્ષીક 15 કરોડની વધારાની આવક થવાનો અંદાજ છે. ચૂંટણી વર્ષમાં ભાજપના શાસકો દ્વારા વાહન વેરામાં સૂચવવામાં આવેલો વધારો માન્ય રાખવામાં આવશે કે કેમ તેના પર પણ રાજકોટવાસીઓની મીટ મંડાયેલી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દર વર્ષે નવી યોજનાઓની જાહેરાત બજેટમાં કરે છે. આવતીકાલે બજેટને બહાલી આપવામાં આવશે. જેમાં કેટલીક નવી યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ-2021-22નું રિવાઇઝડ અંદાજ પત્ર અને વર્ષ-2022-23નું વાર્ષિક અંદાજ પત્ર મંજૂર કરવા, આગામી નાણાંકીય વર્ષ માટે સામાન્ય કર, શિક્ષણ ઉપકર, પાણીના દર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ, ખુલ્લા પ્લોટ પર વસૂલવામાં આવતો ટેક્સ, વાહન વેરાનો દર, થિયેટર ટેક્સ નિયત કરવામાં આવશે. આ ઉપરાંત એડવાન્સ ટેક્સ ભરનાર પ્રામાણિક કરદાતાને વળતર આપવા અંગે અને ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા સહિતની નવ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેટલીક નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવે તેવી પણ સંભાવના જણાઇ રહી છે.