કોંગ્રેસના શાસનમાં ભાજપના 25 કોર્પોરેટરો હોવા છતાં અમને સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન અપાયુ ન હતું: કમલેશ મિરાણી
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતી તમામ દરખાસ્તો હવે વિરોધ વિના સર્વાનુમતે થશે મંજૂર
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી ખાસ બોર્ડ બેઠકમાં મેયર અને ડે.મેયરની ચૂંટણી યોજવામાં આવી હતી. સાથો સાથ સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ મહાપાલિકામાં ભાજપની બહુમતિ હોવા છતાં વહીવટી પારદર્શકતા જળવાઈ રહે તે માટે ભાજપ ઉદાર દીલ રાખી દર વખતે સ્ટેન્ડિંગ કમીટીમાં કોંગ્રેસના 2 કોર્પોરેટરોનો સમાવેશ કરતું આવ્યું છે પરંતુ શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી ભાજપ 68 બેઠકો પર વિજેતા બન્યું છે અને કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠકો જ આવી છે. જે રીતે શહેરમાં 18 પૈકી 17 વોર્ડ કોંગ્રેસ મુક્ત થયા છે તે રીતે જ આજે મહાપાલિકાની મહત્વપૂર્ણ અને કદાવર ગણાતી સ્ટેન્ડિંગ કમીટીની બેઠક પણ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત બની જવા પામી છે.
સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય તરીકે પુષ્કરભાઈ પટેલ, મનિષભાઈ રાડીયા, બાબુભાઈ ઉધરેજા, ચેતનભાઈ સુરેજા, નિતીનભાઈ રામાણી, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, જયમીનભાઈ ઠાકર, નેહલભાઈ શુકલ, નયનાબેન પેઢડીયા,
દુર્ગાબા જાડેજા, ભારતીબેન પરસાણા અને ભારતીબેન પાડલીયાની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગના 12 સભ્યોની નિમણૂક કરાયા બાદ ચેરમેનની નિમણૂક કરવા માટે બપોરે 12:30 કલાકે સ્ટેન્ડિંગની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે સભ્યો દ્વારા ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલના નામ પર મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમીટીમાં કોંગ્રેસના નગરસેવકોનો સમાવેશ ન કરવા પાછળનું કારણ આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, મહાપાલિકામાં વર્ષ 2000 થી 2005 સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાજપના 25 કોર્પોરેટરો ચૂંટાયા હતા છતાં કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમીટીમાં વિરોધ પક્ષના સભ્યોને સ્થાન આપવાની પરંપરા તોડી હતી. છતાં જ્યારે ભાજપ ફરી સત્તામાં આવી ત્યારે 2005, 2010 અને 2015માં અમોએ પરંપરા જાળવી રાખી હતી અને દરેક વખતે સ્ટેન્ડિંગ કમીટીમાં 10 સભ્યો ભાજપના રહેતા અને સભ્યો કોંગ્રેસના 2 સભ્યોને સ્થાન આપવામાં આવતું હતું પરંતુ આ વખતે રાજકોટવાસીઓએ કોંગ્રેસને માન્ય વિરોધ પક્ષના લાયક પણ ન રહે તેવો જનાદેશ આપ્યો છે. આવામાં ભાજપે આ વખતે સ્ટેન્ડિંગ કમીટીમાં કોંગ્રેસના એકપણ સભ્યને સ્થાન આપ્યું નથી અને તમામ 12 સભ્યો ભાજપના જ રાખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના ઈતિહાસમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પદે ક્યારેય મહિલાની વરણી કરવામાં આવી નથી. આ પરંપરા આ વખતે પણયથાવત રહેવા પામી છે. સ્થાનિક સ્વરાજ્યમાં 50 ટકા મહિલા અનામતનો ઠરાવ વિધાનસભામાં ચોક્કસ પાસ કરવામાં આવ્યો છે પરંતુ સ્ટેન્ડિંગ કમીટીમાં 12 સભ્યો પૈકી 8 સભ્યો પુરૂષ અને માત્ર 4 સભ્યો જ મહિલા રાખવામાં આવ્યા છે.