મોટાભાગના સંતો-મહંતો ગાંધીનગર અક્ષરધામ દર્શન કરી રાજકોટ પધારશે

રાજકોટના સ્વામીનારાયણનગરમાં 5 થી 15 ડિસેમ્બર પ્રમુખ સ્વામી મહારાજની 98 મો જન્મજયંતી મહોત્સવ ધામધુમથી ઉજવાશે ત્યારે દેશ વિદેશથી રાજકોટ આવતી ફ્લાઇટ, ટ્રેન અને બસ હરીભક્તોથી હાઉસફૂલ રહેશે. શહેરના કોઈ પણ ખૂણેથી સ્વામીનારાયણનગર પહોચવા માટે સિટી બસના 15 રુટ છે જ્યારે એસટી વિભાગ પણ એક્સ્ટ્રા 50 બસ મૂકવાનું આયોજન કરી રહ્યું છે. ભારત સહિત વિશ્વના 55 દેશમાંથી સંતો અને હરીભક્તો રાજકોટ આવવાના છે. દરરોજ દોઢ લાખ લોકો ભગવાન સ્વામીનારાયણની ઝાંખી કરશે.

સ્વામીનારાયણનગરનું કલાત્મક પ્રવેશદ્વાર, પરમશાંતિનું ધામ, પ્રેરક પ્રદર્શનખંડો, ગુરુવર્યની ભવ્ય પ્રતિમા, સંત ઝરૂખા અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણ નિહાળવા માટે દેશ વિદેશમાંથી સંતો – મહંતોની સાથે હરીભક્તો પધારશે. જેને લઈને રાજકોટ આવતી ફ્લાઇટ, ટ્રેન અને એસટી – સિટી બસમાં હરિભક્તોની ભીડ રહેશે.

સ્વામીનારાયણનગરમાં વિદ્યાર્થીઓ અને કોલેજીયનો માટે સવારે 8 થી 2 વાગ્યાનો સમય રખાયો છે, જ્યારે હરિભક્તો અને મોટેરા – વડીલો બપોર બાદ સ્વામીનારાયણનગરના દર્શન કરી શકશે. શહેરની સ્કૂલ – કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સમૂહ પણ અહીં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.