આજરોજ રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી અંતર્ગત રાજકોટ એસ.ટી. વિભાગે ચુંટણી સ્ટાફની હેરફેર માટે ડીવીઝનની રર૦ જેટલી બસો ફાળવી છે. આ બસો એક સાથે ફાળવાઇ જતા રાજકોટ એસ.ટી. વિભાગના જુદા જુદા બસ સ્ટેન્ડો ઉપર મુસાફર જનતાને રઝળવવાનો વખત આવ્યો છે.
રાજકોટ એસ.ટી. વિભાગે ગઇકાલ સવારથી એક સાથે ૨૨૦ બસો ફાળવી દેતા ગઇકાલ સવારથી અને આજે પણ રાજકોટ સહીતના જુદા જુદા એસ.ટી. ડેપો ઉપર હજારો મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો.
રર૦ એસ.ટી. બસો ફાળવી દેવાતા રાજકોટ એસ.ટી. વિભાગે ર૦ ટકાથી વધુ રૂટો કેન્સલ કરવા પડયા છે.ખાસ કરીને ગઇકાલે અને આજરોજ સવારે પણ સૌથી વધુ ગ્રામ્ય રૂટો કેન્સલ કરવા પડતા ગ્રામ્ય જનતાને ભારે હેરાનગતિ ભોગવવાનો વખત આવ્યો હતો.એસ.ટી. ના સંખ્યાબંધ રૂટો કેન્સલ થતા ખાનગી વાહન સંચાલકોને બખ્ખા થઇ ગયા હતા. અને મુસાફરો પાસેથી મન ફાવે તેવા ભાડા વસુલી લોકોની મજબુરીનો લાભ લીધો હતો.