ટ્રાફિકવાળા રૂટ પર એકસપ્રેસ અને લોકલ રૂટ પર મીની બસ દોડાવાશે
રાજકોટ એસ.ટી.ડિવીઝનને સમયાંતરે નવી બસોની ફાળવણી કરી છે. અગાઉ ૧૦ જેટલી મીની બસ રાજકોટ ડિવીઝનને મળી હતી ત્યારે હવે ફરીથી એકવાર રાજકોટ એસ.ટી.ડિવીઝનને એક સાથે નવી ૩૦ બસો મળી છે અને આ તમામ નવી બસો અલગ-અલગ રૂટ પર દોડાવવામાં આવશે. રાજકોટને ફાળવાયેલી નવી ૩૦ બસમાં ૩ ગુર્જરનગરી, ૧૮ મીની બસ અને ૯ સુપર ડિલકસ બસનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ ૩ નવી ગુર્જરનગરી બસને નવા અને લાંબા રૂટ ઉપર દોડાવવામાં આવશે જેમાં બે બસ મોરબીથી ઉદયપુર અને એક બસ ગોંડલથી અંબાજી સુધી શરૂ કરી દેવામાં આવી છે. જયારે સુપર ડિલકસ બસને અમદાવાદ સહિતનાં લાંબા રૂટ ઉપર દોડાવવામાં આવશે અને તમામ ૧૮ મીની બસને રાજકોટથી નજીકનાં લોકલ રૂટ પર દોડાવવામાં આવશે. રાજકોટથી જે રૂટ પર ૫૦ ટકા જેટલો ટ્રાફિક રહે છે તેવા રૂટ પર મીની બસ દોડાવવામાં આવશે. જેમાં રાજકોટથી ગોંડલ, જામનગર, કાલાવડ, મોરબી, હળવદ જેવા રૂટ પર બસો દોડાવાશે. આ ઉપરાંત ૯ સુપર ડિલકસ બસ લાંબા રૂટ ઉપર દોડાવવામાં આવશે. રાજકોટ ડિવીઝનને નવી બસો મળતાં મુસાફરોનાં ઘસારાનું પણ નિવારણ થશે. વધુ બસ મળવાથી લોકોને વધુને વધુ સુવિધાનો લાભ મળશે.