તા.૧૩,૧૪ ડિસેમ્બર એમ બે દિવસ સુધી ચૂંટણી સ્ટાફ સાથે મતદાન સામગ્રીઓ પરિવહન થશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દરેક જિલ્લામાં વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીને અનુલક્ષીને એસ.ટી.ની બસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભાડે કરવામાં આવી હતી. શનિવારે પ્રથમ તબકકાની ચૂંટણી દરમિયાન રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ૧૦૦ બસો ચૂંટણીલક્ષી કામગીરી માટે ફાળવવામાં આવી હતી અને હવે આગામી તા.૧૩મી અને ૧૪મી ડિસેમ્બરના રોજ બીજા તબકકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ફરી એક વખત રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ૧૦૦ બસોની ફાળવણી કરવામાં આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ૯મી ડિસેમ્બરના રોજ પ્રથમ તબકકા દરમિયાન ચૂંટણીને લઈને ચૂંટણી ફરજ બજાવનારા સ્ટાફને વિધાનસભાની બેઠક વાઈઝ નિયત કરવામાં આવેલા ડિસ્પેચીંગ સેન્ટરથી રવાના કરવામાં આવ્યા હતા અને જે વિસ્તાર દૂર આવેલા હતા. ત્યાંના મતદાન મથકો ઉપર સ્ટાફને લઈ જવામાં મદદરૂપ થવામાં એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી હતી.
પ્રથમ તબકકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ત્યારે હવે બીજા તબકકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાન મથક ઉપર ચૂંટણી સંબંધી વ્યવસ્થા ગોઠવવા તેમજ ઈવીએમ અને વીવીપેટ મશીનને મતદાન મથક સુધી પહોંચાડવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની એસ.ટી. ડિવિઝન દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ચૂંટણી માટે ૧૦૦ બસો ફાળવવામાં આવી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. બીજા તબકકાની ચૂંટણીમાં ૧૦૦ બસો રાજકોટ એસ.ટી.ડિવિઝનની રોકવામાં આવી છે.
જેમાં ૭૦ જેટલી બસ ૧૩મી ડિસેમ્બરના રોજ અને બાકી રહેલી ૩૦ જેટલી બસ સહિત કુલ ૧૦૦ બસોને ૧૪મી ડિસેમ્બરના રોજ તંત્રના હવાલે કરવામાં આવશે. રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગરની બસોને બીજા તબકકાની ચૂંટણી કામગીરી માટે રોકવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ એસ.ટી.બસોમાં નહીંવત ટ્રાફિક સંભાવના હોવાથી અન્ય કોઈ રૂટ કેન્સલ કરવા નહીં પડે અને એસ.ટી.બસોના ડ્રાઈવરોને પણ ડયૂટી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેવી રીતે પ્રથમ તબકકાની ચૂંટણી દરમિયાન મુસાફરોને પણ કોઈપણ જાતની અવગડતા પડી ન હતી અને હળવો ટ્રાફિક પણ થયો હતો. પરંતુ તંત્રએ ટ્રાફિકને પહોંચી વળવા ખડેપગે ઉભુ રહ્યું હતું અને હવે બીજા તબકકાની ચૂંટણી માટે બસો જે એકસ્ટ્રા છે તેને ચૂંટણી તંત્રના હવાલે કરવામાં આવશે.