રાજકોટ એસ.ટી. ડીવીઝનને દિવાળીના તહેવારો ફલ્યા છે. છ દિવસમાં પોણા ત્રણ કરોડની આવક થયેલ છે. એક્સ્ટ્રા બસ સર્વિસથી વધારાની રૂ|. 42 લાખની આવક થયાનું જાણવા મળે છે. આવતી કાલે લાભ પંચમથી વેપાર ધંધા શરૂ થનાર હોય સહપરિવાર ફરવા ગયેલા લોકો આજે ઘરે પરત ફરી રહ્યા હોય, આજે પણ જોરદાર રીટર્ન ટ્રાફિક જોવા મળી રહી છે.
વિશેષમાં રાજકોટ વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યુ હતું કે, તારીખ 18 થી 24 સુધીમાં દિવાળીના તહેવારોના છ દિવસ દરમ્યાનમાં રાજકોટ એસ.ટી ડીવીઝનને રૂ|.3 કરોડની આવક થઈ છે. અમુક દિવસોમાં તો દૈનિક આવક રૂ| 5 લાખથી વધી ગઈ હતી. હજુ આજે અને આવતીકાલે તેમ બે દિવસ રીટર્ન ટ્રાફિક મળશે.તાજેતરમાં જ ડ્રાઈવર અને કડકટરની ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરાઈ જતાં દિવાળીના તહેવારોમાં પૂરતી માત્રમાં એક્સ્ટ્રા બસો મૂકી શકાઈ હતી જેના અનુસંધાને સારી આવક થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આવેલ વર્ષો જૂનું બસ સ્ટેશન તોડી ત્યાં અતિઆધુનિક બસ સ્ટેશન બનાવમાં આવશે. હાલ નવા બસ સ્ટેશનનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.