રાજકોટ ડેપોએ એક દિવસમાં રૂા.૧૭ લાખની કમાણી કરી રચ્યો રેકોર્ડ: ઓનલાઇન બુકિંગથી રૂા.૨૮.૫૦ લાખની ટીકીટ બુક થઈ : તરણેતરનાં મેળા માટે એક્સટ્રા ૧૫૦ એસટી દોડાવાશે
રાજકોટ એસટી ડિવિઝનને જન્માષ્ટમી ફળી હોય તેમ રૂ. ૩.૪૦ કરોડની કમાણી કરી હતી. ઓનલાઇન બુકિંગથી રૂ. ૨૮.૫૦ લાખની ટીકીટ બુક થઈ તો એક્સ્ટ્રા બસના સંચાલનથી ડિવિઝનને રૂ. ૧૩.૮૭ લાખની આવક થઈ હતી.
રાજકોટ એસટી નાં વિભાગીય નિયામક યોગેશ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમીને લઈને રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા ૧૦૮ બસની ૩૦૦ ટ્રીપ દોડાવવામાં આવી હતી. તા. ૨૦ થી ૨૬ દરમિયાન મુકેલી એક્સ્ટ્રા બસ ૫૪,૧૦૨ કી. મી. ચાલી હતી. જેનાથી રૂ. ૧૩.૮૭ લાખની કમાણી થઈ હતી. જ્યારે સોમવારના એક જ દિવસમાં રાજકોટ ડિવિઝનની રૂ. ૬૯ લાખની આવક થઇ. જ્યારે રાજકોટ ડેપોની રૂ. ૧૭ લાખની આવક થઇ. ઉપરાંત ઓનલાઇન બુકિંગ ની વાત કરીએ તો રાજકોટ એસ.ટી ડિવિઝનમાં રૂ. ૨૮.૫૦ લાખની ટિકિટ ઓનલાઈન બૂક થઇ હતી. જન્માષ્ટમી દરમિયાન કુલ ૧૨ લાખ લોકોએ એસટી માં મુસાફરી કરી હતી. જન્માષ્ટમીના તહેવારમાં લોકોએ સસ્તી અને સલામત એસટી માં સવારી કરી હતી અને તેનાથી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર ડેપોને કરોડો રૂપિયાની આવક થઇ હતી. સુરેન્દ્રનગરમાં તરણેતર નો પ્રખ્યાત મેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર – ગુજરાત માંથી લોકો ઉમટી પડશે. ત્યારે તા. ૧ થી ૪ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા ૧૫૦ બસ દોડાવવાનું નક્કી કરાયું છે.