ગઈકાલે ૫૭ અને આજે બપોર સુધીમાં ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા ૨૦ વાહનો ડિટેઈન કર્યા
રાજકોટ એસ.ટી. વિભાગની વિજીલન્સ, લાઈન ચેકિંગ સ્કવોડ અને સિટી પોલીસના સંયુકત ટીમો દ્વારા ગઈકાલથી રાજકોટ શહેરભરમાં ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે કડક ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ ચેકિંગ અંતર્ગત ધડાધડ ખાનગી વાહનો ડિટેઈન કરી અને દંડાત્મક પગલા લેવામાં આવી રહ્યાં છે.
આ અંગેની રાજકોટ એસ.ટી. વિભાગની વિજીલન્સનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઈકાલે દિવસ દરમ્યાન એસ.ટી.ની વિજીલન્સ લાઈન ચેકિંગ અને પોલીસના સંયુકત ટીમોએ કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તથા કે.કે.વી ચોક, હોસ્પિટલ ચોક, જામનગર રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરી અને ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા સ્લિપર, લકઝરી, મીની બસ, તુફાન, અર્ટીગા, ઈનોવા કાર સહિતના ૫૭ ખાનગી વાહનો ડિટેઈન કર્યા હતા અને આવા વાહન ચાલકોને મેમો આપી દંડાત્મક કાર્યવાહી કરી હતી.
દરમ્યાન એસટી અને પોલીસની સંયુકત ટીમોએ આજે પણ સવારથી જ ખાનગી વાહનો સામે ધોંસ ચાલુ રાખી છે અને બપોર સુધીમાં જુદા-જુદા વિસ્તારોમાંથી ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા વધુ ૨૦ જેટલા ખાનગી વાહનો ડિટેઈન કરી લીધાનું જાણવા મળેલ છે.