તમામ બસોના રૂટ ઉપર ચાર ફલાઈંગ સ્કવોડ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે: ડ્રાઈવર -કંડકટરોને સાવચેત રહેવા સૂચના
પદ્માવત ફિલ્મ થીએટરોમાં આજે રીલીઝ કરવા સામે કરણીસેના દ્વારા આપવામાં આવેલ ભારત બંધનાં એલાન સંદર્ભે ટોળાઓ એસ.ટી. બસોમાં તોડફોડ ન કરે તે માટે રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા તમામ એસ.ટી. ડેપોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ તમામ એસ.ટી. બસોનાં રૂટ ઉપર ચાર ફલાઈંગ સ્કવોડ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે વધુમાં જી.પી.એસ.ની મદદથી એસ.ટી.ના તમામ ડ્રાઈવર કંડકટરોને સાવચેત રહેવા સુચના આપવામા આવી છે.
રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે અવાર નવર આવા હિંસક ટોળા દ્વારા એસ.ટી. બસોને નુકશાન પહોચાડવામાં આવે છે. ત્યારે હુમલા જ રાજકોટ સીટીમાં બે દિવસ પહેલા માલીયાસણ પાસે એસ.ટી. બસ સળગાવી દેવામાં આવી હતી. અગાઉ ગોંડલ ખાતે પણ એસ.ટી. બસોને સળગાવી દેવામાં આવી હતી. અને જયારે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝનના તમામ ડેપો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લીંબડી, સુરેન્દ્રનગર, મોરબી, ગોંડલ, સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં એસ.ટી. ડેપોમાં પોલીસ નૈતાન કરવામાં આવી છે. ખાસ તો તોફાની ટોળા હાઈવે પર એસ.ટી.માં હુમલો ન કરે તે માટે જીપીએસ સિસ્ટમ દ્વારા તમામ એસ.ટી.ના ડ્રાઈવર કંડકટરોને તકેદારીના પગલા લેવા માટે સુચના આપવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે બંધના એલાન સામે રાઉન્ડ ધ કલોક બસોનાં રૂટ ઉપર ચાર ફલાઈંગ સ્કવોડ દોડવામાં આવી રહી છે. રાજકોટ એસ.ટી.ને હાલ સુધી ફિલ્મના વિરોધની અસર જોવા મળી નથી. પરંતું કોઈ અનિચ્છનીય બનાવ નબને તે માટે એસ.ટી.તંત્ર અને પોલીસ જવાનો ખડે પગે છે. રાજકોટ ડીવીઝનના તમામ ‚ટો હાલ યથાવત રાખવામાં આવ્યા છે. મુસાફરોને પણ તકલીફ કે અવ્યવસ્થા ન પડે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતની એસ.ટી. બસો પ્રભાવિત
કરણી સેના દ્વારા ભારતભરમાં આજે પદ્માવત ફિલ્મના વિરોધને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ઉતર ગુજરાતની એસ.ટી. બસો પ્રભાવિત થઈ છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસ.ટી.ના રૂટો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉતર ગુજરાતમાં હિંસક ટોળા એસ.ટી.ને નુકશાન ન પહોચાડે તે માટે મહેસાણા, પાલનપૂર, હિમતનગર સહિતનો એસ.ટી.બસોનાં રૂટ રદ કરવામાં આવ્યા છે.