- નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ હોસ્ટેલનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
- ખેલકૂદની તાલીમ અને રાજ્ય સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસીથી યુવાનો ખેલકૂદ ક્ષેત્રે પ્રગતિ કરી શકશે: હર્ષ સંઘવી
રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટના યુનિવર્સિટી રોડ પર અંદાજિત રૂપિયા 18 કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ સિવિલ હોસ્પિટલ પરિસર ખાતે નિર્મિત નવા વન સ્ટોપ સખી સેન્ટરનું પણ ઈ-ઉદઘાટન કર્યું હતું.યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજકોટમાં આજે લોકર્પિત કરાયેલા સ્પોર્ટ્સ સંકુલમાં મહિનામાં માત્ર 200 રૂપિયામાં સ્પોર્ટ્સની તાલીમ મળશે. ખેલકૂદને પ્રોત્સાહન આપવા નવી સ્પોર્ટ્સ પોલિસી થકી રાજયના યુવાનો મેડિકલ, એન્જીનીયરીંગ, કોમર્સ વગેરે ક્ષેત્રોની જેમ જ ખેલકૂદ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકે તેવો સરકારનો પ્રયાસ છે.
મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રમતો-2022નું માત્ર 90 દિવસના ટૂકા ગાળામાં આયોજન કરીને ગુજરાત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. જેના સાક્ષી બનવાનો આપણને સૌને અવસર મળશે. ભૂતકાળમાં અન્ય રાજ્યોએ રાષ્ટ્રીય રમતોના આયોજન માટે લીધેલા દોઢ, બે, ત્રણ અને સાત સાત વર્ષની સરખામણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સૌ નાગરિકોએ મળીને 90 દિવસના ટૂંકા ગાળામાં આ રમતો યોજવાની તૈયારી બતાવી, જે ખૂબ સરાહનીય બાબત છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની ટીમે પ્રાથમિક પરીક્ષણ બાદ ગુજરાતની આ કામગીરીની ખૂબ સરાહના કરી હતી.
રાષ્ટ્રીય રમતોના સ્વાગત માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટમાં એક જ દિવસમાં બે લાખથી વધુ લોકોની સામેલગીરી સહિત ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો જોડાયા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને મેયર પ્રદીપ ડવએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સ્પેશિયલ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નગરપાલિકાના પ્રાદેશિક નિયામક ધીમંત વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, નાયબ પોલીસ કમિશ્નર સુધીર દેસાઇ અને ડો.પાર્થરાજસિંહ ગોહિલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, પ્રાંત અધિકારી ડો. સંદીપ વર્મા, વિવેક ટાંક, અને કે.જી.ચૌધરી, જિલ્લા રમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા અને રમા મદ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.નવનિર્મિત સ્પોર્ટસ્ કો્મ્પ્લેક્સમાં મંત્રી સંઘવી સહિતના મહાનુભાવોએ વિવિધ રમતો રમી બાળપણ તાજું કર્યું.
ગૃહમંત્રીએ રામભાઈ તેમજ કમલેશભાઈ સાથે બેડમિન્ટન રમી રમતનો આનંદ ઉઠાવ્યો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ નવા બેડમિન્ટન કોર્ટ પર રમતગમત મંત્રી હર્ષ સંઘવી સૌથી પહેલા સાંસદ રામભાઈ મોકરિયા સાથે બેડમિન્ટન રમ્યા હતા. સિંગલ અને ડબલ્સ ગેઇમમાં મંત્રી સંઘવીએ રામભાઈ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણી સામે રમત રમી બાસ્કેટ બોલમાં ગોલ પણ કર્યા હતા. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ બાસ્કેટ બોલ પર હાથ અજમાવી ગોલ કર્યા હતા. મંત્રીએ નવા સંકુલની સુવિધાઓ તેમજ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ સંકુલના પહેલા માળે ટેબલ ટેનિસની રમતમાં મંત્રીશ્રી સંઘવી અનુભવી ખેલાડીની જેમ રમ્યા હતા અને ચેમ્પિયન ખેલાડીને માત આપી હતી. સ્પોર્ટસ્ હોસ્ટેલના ઉદઘાટનમાં પણ હર્ષ સંઘવીએ વિવિધ સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
29 સપ્ટેમ્બરે પીએમ મોદીના હસ્તે રાષ્ટ્રીય રમતોનો થશે પ્રારંભ,નેશનલ પ્લેયર્સને ગરબે રમાડવા ગુજરાતીઓને અનુરોધ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 29મી સપ્ટેમ્બરે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય રમતોને ખુલ્લી મૂકશે, જેમાં પધારનારા દેશભરના ખેલાડીઓ ગુજરાતના ગરબા માણે તે માટેના પ્રયત્નો કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
ગુજરાતમાં નેશનલ ગેમ્સનો ફીવર, સ્પોર્ટ્સ પ્રેમી ખુશખુશાલ
ગુજરાતભરમાં નેશનલ ગેમ્સ નો એક ફીવર છે ગામે-ગામ શહેરોમાં યુવાનોથી વૃધ્ધો સુઘી 500 જેટલી શાળાઓમાં કોથળા દોડ ,લીંબુ ચમચી, સંગીત ખુરશી સહિત તમામ પ્રકારની રમાતી રમત માં ફરી એક વખત ગુજરાતના નાગરિકો જુસા પૂર્વક આ રમતોમાં વળ્યાં છે.મહાનગરોમાં સ્પોર્ટ્સ મહાનગરોના નાગરિકોને સ્પોર્ટ્સ તરફ જોડવાનો ગુજરાત સરકાર દ્વારા ખુબજ સફળ પ્રોયોગ કરવામાં આવ્યો છે.એક ઇતિહાસ ગુજરાત સરકાર અને ગુજરાતના નાગરિકોએ કર્યો છે દેશના ઇતિહાસ માં ક્યારેય કોઈ રમતનું આયોજન 2 વર્ષથી ઓછા સમય માં થાય નહી.પરંતુ ગુજરાતીઓએ ભેગા મળી ને માત્ર 90 દિવસમાં તૈયારીઓ પૂર્ણ કરી છે.