સિંહ, વાઘ, દિપડા જેવા માંસાહારી પ્રાણીઓનાં ખોરાકમાં 10 થી 15 ટકાનો વધારો: મગર અને સાપનો ખોરાક  ઘટયો

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત  પ્રધ્યુમન પાર્ક ઝૂમાં  વસવાટ કરતા જુદી જુદી 61 પ્રજાતિઓનાં કુલ 519 વન્યપ્રાણી-પક્ષીઓ  પર જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા ખાસ  વ્યવસ્થા કરવામાં  આવી  છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા બાગબગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન  અનીતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

તેઓએ  ઉમેર્યું હતુ કે, સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે.   ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે.

સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.  વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી -દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે.

જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.

આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10 થી 15 ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.