અબતક, રાજકોટ

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.50000/- ની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે મરણના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે. જેના માટે કોવિડ-19ની સહાય મેળવવા માટે અરજી સાથે રજુ કરવાના થતા મૃત્યુનું કારણ મેળવવા અરજદારએ જન્મ-મરણ વિભાગમાં પરિશિષ્ટ-1 મુજબનું ફોર્મ ભરવાનું રહેશે.

મૃતકનું આઇડી પ્રુફ, ડોક્ટર તરફથી અપાયેલુ મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરવુ પડશે

જે ફોર્મ સાથે અરજદારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ છે તે અને સાથે અરજદાર અને મૃતકનાં  ફોટો આઈડી ક્યા ક્યા? જેમકે, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વિગેરેમાંથી કોઈપણ રજુ કરવાનું રહે છે. મૃતકના સ્વજનને મૃત્યુની નોંધણી સમયે ડોકટર તરફથી રજુ કરવામાં આવેલ મરણ અંગેનું પ્રમાણપત્ર નમુનો ફોર્મનં-04 રજુ કરવાનું રહેશે.

હાલની રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપધ્ધતિ મુજબ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનનાં પ્રમાણપત્રો જન્મમરણ વિભાગો દ્વારા ઇસ્યુ કરવામાં આવશે.વિશેષમાં જો કોઈ મૃતકના મૃત્યુ નોંધણી સમયે કોઈ પણ પ્રકારના મૃત્યુ કારણદર્શક ફોર્મ રજુ કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં સરકારના ઠરાવ મુજબ પરિશિષ્ટ-2 મુજબ અપ્રાપ્ય પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જે પણ ઉપરોકત ઝોન વાઈઝ આપવામાં આવશે.

આ પ્રમાણપત્રથી મૃતકના સ્વજનને કોઈપણ પ્રકારે વાંધો કે તકરાર હોય તો મૃતકના સ્વજને સમિતિના અધ્યક્ષને અરજી કરવાની રહેશે. આ અરજી જન્મ-મરણ વિભાગમાં જમા કરવાની રહેશે. બાદમાં સમિતિ તે અંગે યોગ્ય પરિસ્થિતિ મુજબ પરિશિષ્ટ-6 મુજબ કોરોનાથી મૃત્યુ થયુ કે નહી તે બાબતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.