સૌથી લાંબી મતગણતરી રાજકોટ ગ્રામ્ય બેઠકની ચાલશે: કણકોટ ખાતેના મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓને આખરી ઓપ, અધિકારીઓના ધામા
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોની આવતીકાલે મતગણતરી થવાની છે તેમાં સૌથી લાંબી મતગણતરી રાજકોટ ગ્રામ્ય બેઠકની ચાલશે. જ્યારે રાજકોટ દક્ષિણ અને ગોંડલની મતગણતરી સૌથી ટૂંકી ચાલશે.
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોની આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ આઠેય બેઠકોની કણકોટ ખાતે આવેલ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા ચાલશે. જેમાં સવારે 8 વાગ્યાથી વિધાનસભા બેઠક વાઇઝ 14-14 ટેબલમાં મતગણતરી કરવામાં આવશે.
હાલ મતગણતરી કેન્દ્ર ખાતે અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે ઓબ્ઝર્વર તેમજ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓએ ત્યાં મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા હાથ ધરી છે.
બીજી બાજુ મતગણતરીની વિગતો જોઈએ તો કાલે 8 વાગ્યાથી દરેક બેઠકમાં પ્રથમ ટેબલ ઉપર પોસ્ટલ બેલેટના મત ગણવાના શરૂ કરાશે. બાદમાં 30 મિનિટ પછી કુલ 2265 ઇવીએમના વોટનું કાઉન્ટિંગ કરવામાં આવશે. અંદાજે 3 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
68-રાજકોટ પૂર્વમાં 137 ઇવીએમ છે. જેની મતગણતરી 10 રાઉન્ડમાં કરવામાં આવશે. 69-રાજકોટ પશ્ચિમમાં 155 ઇવીએમ છે. જેમાં 12 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 70-રાજકોટ દક્ષિણમાં 114 ઇવીએમ છે. જેમાં 9 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ)માં 192 ઇવીએમ ચર્સ. જેમાં 14 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 72-જસદણમાં 131 ઇવીએમ છે. જેમાં 10 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 73-ગોંડલમાં 118 ઇવીએમ છે. જેમાં 9 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 74-જેતપુરમાં 150 ઇવીએમ છે. જેમાં 11 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. 75-ધોરાજીમાં 136 ઇવીએમ છે. જેમાં 10 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.
સ્ટાફને મતગણતરી કેન્દ્રએ જ કઈ બેઠકના ક્યાં ટેબલ ઉપર ફરજ છે તે ખબર પડશે
જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં મતગણતરીના સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. આ સ્ટાફની ફરજની જગ્યા સૂનિશ્ચિત થઈ છે. પણ આ અંગે સ્ટાફને જાણ કરવામાં આવી નથી. આવતીકાલે સ્ટાફ જ્યારે મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપર હાજર થશે ત્યારે જ તેને કઈ બેઠકમાં ફરજ બજાવવાની છે તેનો ઓર્ડર આપવામાં આવશે. અને બેઠકના હોલમાં ગયા બાદ જે તે બેઠકના રિટર્નિંગ ઓફિસર સ્ટાફને ટેબલની ફાળવણી કરશે.
મતગણતરી કેન્દ્રમાં ઓબ્ઝર્વર અને રિટર્નિંગ ઓફિસરોને જ મોબાઈલ લઈ જવાની છૂટ
મતગણતરી કેન્દ્ર ખાતે માત્રને માત્ર ઓબ્ઝર્વર અને રિટર્નિંગ ઓફિસરોને જ મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવી છે. અન્ય અધિકારીઓને તેમજ મતગણતરીની ફરજ બજાવનાર કર્મચારીઓને પણ મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવશે નહિ. ઉપરાંત મીડિયા કર્મીઓ માટે અલગ હોલ આપવામાં આવ્યો હોય તેઓને મોબાઇલ લઈ જવાની છૂટ આપવામા આવી છે.
ઓબ્ઝર્વરોના અધ્યક્ષ સ્થાને મતગણતરી સ્ટાફનું રેન્ડમાઇઝેશન
રાજકોટના કણકોટ સ્થિત સરકારી ઈજનેર કોલેજ ખાતે મતગણતરીની કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓના રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તથા ઓબ્ઝર્વરોના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સેક્ધડ રેન્ડમાઈઝેશનની આ પ્રક્રિયામાં ત્રણ તબક્કામાં માઈક્રોઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી વિધાનસભા મત વિસ્તાર 68 થી 75 મુજબ માઈક્રોઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટ સહિતના સ્ટાફ સહિતની ફાળવણી કરાઈ હતી. પ્રક્રિયા દરમિયાન વિવિધ વિધાનસભા મતવિસ્તારના કાઉન્ટિંગ ઓબ્ઝર્વરો સુશીલ કુમાર પટેલ, અમિત શર્મા, વી. વી. જ્યોત્સના, પ્રીતિ ગેહલોત, મિથિલેશ મિશ્રા, કબિન્દ્રકુમાર શાહુ, મહેશ્વર સ્વૈન, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર તથા અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.