ઓન લાઇન ખરીદી કરતા વેપારીઓ માટે ચેતવા જેવી ઘટના રાજકોટ સોની વેપારી સાથે બની છે. સોના-ચાંદીના ટેસ્ટીંગ માટે ઉપયોગમાં આવતા કાર્બન ગેફાઇટ ઓન લાઇન મગાવી રુા.1.21 લાખ પી.સી.એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ઓન લાઇન ટ્રાન્સફર કર્યા બાદ 800 કિલો કાર્બન ગેફાઇટ ન મોકલી છેતરપિંડી થયાનું સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયું છે.
સોના-ચાંદી ટેસ્ટીંગ માટે પી.સી.એન્ટર પ્રાઇઝ નામની કંપનીને 800 કિલો કાર્બન ગેફાઇટ મગાવી ઓન લાઇન પેમેન્ટ ચુકવ્યા બાદ માલ ન આવ્યો
સોશિયલ મીડિયાના માધ્યમથી પેઢીના મળેલા નંબર પરથી સંપર્ક કરી માલ મગાવનાર રાજકોટના વધુ એક વેપારી સાથે છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નાનામવા સર્કલ પાસે સિલ્વર – હાઇટસમાં રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ લુણાગરિયા નામના વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ભૂપેન્દ્ર રોડ પર સોના-ચાંદીના ટેસ્ટિંગની લેબોરેટરી ચલાવે છે. સોના-ચાંદીના ટેસ્ટિંગ માટે કાર્બન નામના રો-મટિરિયલની – ગ્રેફાઈટ ” જરૂર પડતી હોય ગત ફેબ્રુઆરીમાં આ રો-મટિરિયલની જરૂરિયાત ઊભી થઈ હતી.
જેથી એપ્લિકેશન મારફતે એક પી.સી.એન્ટરપ્રાઈઝ નામની કંપની નજરે પડી હતી. આ પેઢીની સાઈટમાં પોતાને જે રો-મટિરિયલ જોતું હોય તેનો ભાવ તેમાં વાજબી લાગતા મેસેજ કર્યો હતો. જેથી તા.27-2-2023ના રોજ મોબાઇલ પર વોટ્સએપમાં તે પેઢીનું બિઝનેસ કાર્ડ હતું. તે નંબર પર અવારનવાર વાતચીત થયા પછી જુલાઇમાં ભાવ અંગે પૂછપરછ કરી હતી. ભાવ જાણ્યા બાદ સામે વાળી વ્યક્તિએ ટોકન પેટે રૂ.51 હજાર ચૂકવવાનું જણાવ્યું હતું. જેથી 800 કિ.ગ્રામ કાર્બન ગ્રેફાઈટનો ઓર્ડર આપી તે વ્યક્તિએ જણાવેલી સારસ્વત કો-ઓપરેટિવ બેંકના એકાઉન્ટમાં બે તબક્કે નાણા મોકલ્યા હતા અને રો-મટિરિયલ મોકલવા જણાવ્યું હતું.
જેથી તે વ્યક્તિએ વધુ રૂ.70 હજારનું પેમેન્ટ કરવાનું જણાવતા ફરી ઉપરોકત બેંકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ તેને રો-મટિરિયલ મોકલવાનું કહેતા તે વ્યક્તિએ વધુ નાણાંની માગણી કરવા લાગ્યો હતો. 1.21 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ અનેક વખત રો-મટિરિયલ મોકલવાનું કહેતા નહિ મોકલતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડતા સાયબર ક્રાઈમમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ કે.જે. રાણાએ છેતરપિંડી તેમજ આઇટી એક્ટની કલમ હેઠળ જેમાં મેસેજ આવતા હતા તે મોબાઇલ ધારક, બેંક ખાતું ધરાવનાર સહિતનાઓ સામે ગુનો નોંધ્યો છે. રાજકોટના વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.