જામનગરથી જમાઈ સાગરીતો સાથે રાજકોટ આવ્યો: બંને બાળકોને જબરદસ્તી લઈ ગયો
બે બાળકોને લઈ છુટેલા જમાઈ અને તેના સાગરીતો સામે હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામે માવતરે રિસામણે બેઠેલી પરિણીતા ગઈકાલે જામનગરથી બાળકોનો કબજો લઇ પરત ફરી હતી. તેનો ખાર રાખી પતિ સહિતના બે શખ્સોએ બ્લેક કલરની થાર કારમા પીછો કરી સાસરિયામાં આવી પત્ની પર હુમલો કરી સસરા પર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો અને બંને બાળકોને લઈને નાસી ગયો હતી. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જમાઈ અને તેના સાગરીતો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભાગોળે આવેલા કણકોટ ગામે રહેતા માલદેભાઈ કરશનભાઈ પાંડાવદરા નામના ૫૫ વર્ષના આધેડ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે જામનગર ખાતે રહેતા જમાઈ હિતેશ સોમાભાઈ ચાવડા તેનો મિત્ર વીકી ઉર્ફે ખાડો અને બે અજાણ્યા શખ્સો કાર લઈ ધસી આવ્યા હતા અને માલદેભાઈ પાંડાવદરા અને તેની પુત્રી સંધ્યાબેન સાથે ઝઘડો કરી બીભસ્ત ગાળો ભાંડી ધોકા વડે માર માર્યો હતો અને જમાઈ હિતેશ ચાવડાએ સસરા માલદેભાઈ પાંડાવદરા ઉપર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ હુમલામાં આધેડને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે માલદેભાઈ પાંડાવદરાએ તાલુકા પોલીસ મથકમાં જમાઈ હિતેશ ચાવડા, વિક્કી ઉર્ફે ખાડો અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજમાં આધારે આગળની તપાસ હાથધરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા મુજબ જમાઈ હિતેશ ચાવડા રાજકોટ આવીને ઘરે ધમાલ કરી રહ્યો હતો અને તેની પત્ની સંધ્યાબેનને માર મારી બંને બાળકો શ્રેયા અને વિવાનને જબરદસ્તી ઉઠાવી પોતાની થારમાં બેસાડી દીધા હતા. જેથી સસરા માલદેવભાઈ સહિતનાઓએ રોકવાનો પ્રયાસ કરતા જનુને ચડેલા જમાઈએ સસરા પર જ કાર ચડાવી તેને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે જામનગરમાં આવેલી સાધના સોસાયટીમાં રહેતા હિતેશ ચાવડા સાથે દસ વર્ષ પૂર્વે તેની પુત્રી સંધ્યાબેનના લગ્ન થયા હતા અને લગ્ન જીવનથી સંધ્યાબેનને સંતાનમાં એક આઠ વર્ષની પુત્રી શ્રેયા અને છ વર્ષનો પુત્ર વિવાન છે. દંપતિ વચ્ચે અણબનાવ બનતા પુત્રી સંધ્યાબેન છેલ્લા પાંચેક મહિનાથી કણકોટ ખાતે રહેતા માવતરના ઘરે રિસામણે આવી હતી અને ગઈકાલે પુત્રી શ્રેયાનો જન્મદિન હોવાથી પોતાના પુત્ર વિવાન અને પુત્રી શ્રેયાને લેવા જામનગર ગઈ હતી અને જ્યાંથી પરત કણકોટ ગામે આવી હતી. બાદમાં જમાઈ હિતેશ ચાવડા પોતાના ત્રણ મિત્રો સાથે કાર લઇ ધસી આવ્યો હતો અને પત્ની સંધ્યાબેનને માર મારી સસરા માલદેભાઈ પાંડાવદરા ઉપર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તાલુકા પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.