રાજય સરકારના ખાનગીકરણની હિલચાલ સામે ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ મેદાને
વીજ ક્ષેત્રનાં ખાનગીકરણનાં વિરોધમાં આજે વીજ કર્મચારીઓએ કોર્પોરેટ ઓફિસ ખાતે સુત્રોચ્ચાર ર્ક્યા હતા. આ વેળાએ તેઓએ જણાવ્યું હતું કે, ભારત દેશની આઝાદી બાદ આશરે 70 વર્ષ જેટલા લાંબા સમય સુધી સરકારના સહયોગથી અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા ખૂબ શખત મહેનત કરી – લોહી રેડીને સમગ્ર દેશમાં વીજ નેટવર્ક ઉભું કરેલ છે જેની કોઈ કિંમત માંડી શકાય તેમ નથી. આ વીજ નેટવર્કથી સમગ્ર દેશમાં 25 કરોડથી વધુ રહેણાંક – વાણીજય – કારખાના – ખેતીવાડી વગેરે પ્રકારના વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
આ બીલના એમેન્ડમેન્ટથી ખાનગી કંપનીઓને ઉજા ક્ષેત્રમાં વિશાળ સત્તા/ક્ષેત્ર પૂરું પાડવામાં આવનાર છે. એક્ટ – 2003માં સુધારણા નામે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવશે. ઈલેક્ટ્રીસીટી એક્ટ 2003નો હેતુ ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી પાડવાનો હતો. પરંતુ શકય બનેલ નથી. ખાનગી વીજ કંપનીઓ દ્વારા અવાર નવાર વીજ ટેરીફમાં વધારો કરવામાં આવેલ છે.
આ બીલના એમેન્ડમેન્ટથી ગ્રાહકોને અપાતી સબસીડીઓ ધીમે ધીમે બંધ થઈ શકે છે. રાજય દ્વારા તેમની નાણાકીય સ્થિતિના અનુસંધાને ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ ગ્રાહકોને સબસીડી આપવાની વાત છે. ખેતીવાડી – ઉત્પાદનો માટે વીજળીના ભાવો વધી શકે તેમ છે. અતિવૃષ્ટી – અનાવૃષ્ટિ – ધરતીકંપ – વાવાઝોડા – કોવીડ મહામારી જેવા સમયે સરકારની વીજ કંપનીઓ તથા અધિકારી – કર્મચારીઓ દ્વારા સતત કામગીરીઓ કરી વીજળી ગ્રાહકોને સતત વીજળી પહોચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેલ છે.
મોટા નુકશાન સહન કરીને પણ સરકાર દ્વારા ગ્રાહકોને કપરા સમયે સતત વીજ પુરવઠો સેવાભાવથી પહોચાડવામાં આવે છે, જે ખાનગી કંપની દ્વારા શક્ય નથી.ખાનગી કંપનીઓ દ્વારા નફાકારક શહેરોમાં જ વીજ વિતરણની કામગીરીઓ સંભાળવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આવક ઓછી હોય – તકલીફો વધુ હોય – લોસીસ વધુ હોય તેવા વિસ્તારોમાં ખાનગી કંપનીઓ કામગીરી કરતી નથી.
મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ – નાગપુર – જલગાંવ, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન – ગ્વાલ્યર – સાગર, બિહારમાં ગયા – મુજ્જફપુર – ભાગાપુર, ઉતરપ્રદેશમાં આગ્રા તથા ઓરિસ્સામાં વીજ ક્ષેત્રે ખાનગી કંપની દ્વારા સંચાલન કરવામાં આવેલ છે. જેમાં કંપનીઓની કામગીરી નિષ્ફળ રહેલ છે. મુંબઈમાં રિલાયન્સ એનર્જી લી. કંપની પાવર ડીસ્ટ્રીબ્યુશનમાં નિષ્ફળ ગયેલ છે.