રાજકોટનાં પોષ વિસ્તાર એવા સર્વેશ્વર ચોકમાં ગઇ કાલે શિવમ કોમ્પલેક્ષ પાસે આવેલો વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં ગોઝારી ઘટના સર્જાઈ હતી. ઘટનાના પગલે ત્યાં એકઠા થયેલા અનેક લોકો સ્લેબ સહિત વોકળામાં પટકાતા ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે ત્યાં હાજર લોકોએ ગોઝારી દુર્ઘટના માનવ સર્જીત હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યાં કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનદારે બ્રેકર મશીન ચલાવતા સ્લેબ નબળો પડી ગયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગોઝારી ઘટનાની જાણ થતાં જ રાજકીય આગેવાનો, ફાયર વિભાગ, પોલીસ અધિકારીઓ સહિતના દોડી ગયા હતા અને રેસ્ક્યું કામગીરી હાથધરી હતી. હાલ ઘટનામાં અમુક લોકો ઘવાયા હોવાનું સામે આવ્યું છે જેમાંથી ૨ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
શિવમ કોમ્પલેક્ષના બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનદારે બ્રેકર ચલાવતા સ્લેબ નબળો પડ્યાનો આક્ષેપ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ કાલે સાંજના સમયે રંગીલુ રાજકોટ રવિવારની રજા માણી રહ્યું હતું. ત્યારે પોષ વિસ્તાર એવા સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્ષમાં સંતોષ ભેદ પાસે સહેલાણીઓ નાસ્તો કરી રહ્યા હતા. ન જાને જાનકી નાથે શું થવાનું છે. ત્યારે એકાએક કોમ્પલેક્ષનો વોકળા પર આવેલો સ્લેબ ધરાશાયી થતાં લોકો નીચે પટકાયા હતા. ક્ષણભરમાં જ રવિવારની રજા માણતું રાજકોટ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, ત્યાં હાજર લોકોએ તાત્કાલિક રેસક્યું હાથધરી વોકળામાં પડેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગોઝારી ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. તમામ ઘવાયેલા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બીજી તરફ ભાજપના રાજકીય આગેવાનોએ તુરંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી સતત સંપર્કમાં રહ્યા હતા.
દુર્ઘટનાના પગલે રાજકીય આગેવાનો, ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ દ્વારા મોડીરાત સુધી બચાવ કામગીરી
સ્લેબ ધરાશાયી ઘટનાની તપાસ કરવામાં આવશે: ધારાસભ્ય ઉદય કાનગડ
ગોઝારી ઘટનામાં ઈજાગ્રસ્ત જ્યોતિબેન મનસુખભાઈ ભોજવીયાએ ઘટના અંગે વાતચીત કરતા જણાવ્યું કે, ‘દર્શન કરવા ગયા હતા ને અંદર વોકળામાં પડી ગયા. અંદાજે ૬૦-૭૦ લોકો હતા અને બધા ભેગા નાસ્તો કરતા હતા. મારી સાથે મારી બે દીકરીઓને પણ ઈજા થઈ છે.’ જ્યારે વધુ એક ઘવાયેલી મહિલા દર્શિતાબેનનાં પિતાએ ઘટના જણાવ્યું કે, ‘ગણપતિનાં દર્શન માટે મારી દીકરી અને જમાઈ અહીં આવ્યા હતા. અહીં સ્લેબ પડ્યો ને મારી દીકરી ઈજાગ્રસ્ત થઈ અને તેનો મને ફોન આવ્યો. હું ઘટનાસ્થળે પહોંચી તેને ત્યાંથી અહીં સિવિલમાં સારવાર માટે લઈ આવ્યો. દીકરીને પગમાં ફ્રેકચર થયું છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.’
મેયર નયના પેઢડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના અંગે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘ગણપતિ મહોત્સવની આરતી થઈ રહી એટલે ભારે સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા આ દુર્ઘટના બની હતી. અહીં જે પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામની મદદે તંત્ર અને પદાધિકારી ખડેપગે ઊભા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.’
જ્યારે બીજી તરફ ઘટનાના પગલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેઓએ કહ્યું હતું કે, ‘સર્વેશ્વર ચોકમાં જે ઘટના બની છે તેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે. તેથી આપણી પ્રાથમિકતા એ છે કે, તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર મળે અને બધા સલામત રહે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ. આ ઘટનામાં જે જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે અત્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના જવાનો, કોર્પોરેશનનો સ્ટાફ અને પોલીસ તંત્ર હાલ અહીં સતત ખડેપગે છે. જોકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.’
મેયર, કલેટર, ધારાસભ્યો અને સાંસદ સહિતના તમામ સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સાથે ઘટનાક્રમ અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ‘રાજકોટનાં જાગનાથ વિસ્તારમાં સ્લેબ તૂટી પડતાં વોકળામાં લોકો પડી ગયા હતા તો તાત્કાલિક ફાયરબ્રિગેડ અને તંત્રના લોકોએ મળીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે અને તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા છે. કોઈ જાનહાનિ હજુ સુધી સામે આવી નથી. અમુક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ૧૫ જેટલા લોકો ફસાયા હતા અને તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. જેમાં એક કે બે વ્યક્તિ ગંભીર હોવાની આશંકા દર્શાવી છે.’
ગોઝારી ઘટનાના પગલે મુખ્યમંત્રીના કાર્યક્રમ રદ
આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ શહેરની મુલાકાતે આવવાના હતા અને માધાપર ચોકડી બ્રિજ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપવા આવવાના હતા. પરંતુ ગઇ કાલે સાંજે સર્વેશ્વર ચોકમાં સર્જાયેલી ગોઝારી ઘટનાના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના તમામ કાર્યક્રમ રદ કરીને વર્ચ્યુઅલ રાખવામાં આવ્યા છે.
દુર્ઘટના અંગે પૂર્વ મેયર સાથે વાતચીત કરી સીએમએ સ્થિતિનો તાગ મેળવ્યો
સર્વેશ્વર ચોકમાં સર્જાયેલી ગોઝારી ઘટનાના પગલે રાજકીય આગેવાનો સહિત તંત્ર કામે લાગ્યું હતું. વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં અનેક લોકો ઘવાયા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં શહેરના પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા. તે દરમિયાન પૂર્વ મેયર પ્રદીપ ડવ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટેલીફોનીક વાતચીત કરી ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ સાથે મુખ્પ્રધાને ઇજાગ્રસ્તોની હાલત પૂછી જરૂર પડે અમદાવાદ હોસ્પિટલ ખાતે પણ તૈયારીઓ કરી આપવા માટે ખાતરી આપી હતી.
ઇજાગ્રસ્તોની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સ્ટાફ ખડેપગે રહ્યો
સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં અનેક લોકો પટકાયા હતા. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાકીદે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. તબીબી અધિક્ષક ડો.ત્રિવેદી, આરએમઓ, ડો.કાનાણી, નોડલ ઓફિસર ડો.દૂસરા અને ડો. ઑમદેવસિંહ, મેડિકલ ઓફિસર, હેલ્પ ડેસ્ક અને નર્સિંગ સ્ટાફ સહિતનાઓએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે સતત ખડેપગે રહ્યા હતા.
ઘટનાને લઈ કોંગી અગ્રણી ગાયત્રીબા વાઘેલાના તંત્ર પર કટાક્ષ
રાજકોટમાં થયેલી ગોઝારી ઘટનાના પગલે મહિલા પ્રદેશ અધ્યક્ષ ગાયત્રીબા પણ સિવિલ આવી પહોંચ્યા હતા. આ ઘટના અંગે વાત કરતા કહ્યું કે,‘શાસકોએ શહેરનાં મોટા રસ્તાઓ અને વોકળાઓ વેંચી માર્યા છે. આની પહેલા પણ અમે ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી કે, આ વોકળા ઉપરનાં દબાણ છે એ ગેરકાયદેસર છે. બાંધકામ છે એ દૂર કરો પરંતુ, શાસકોએ આ અંગે જરાપણ દરકાર લીધી નહોતી. અત્યારે કોઈને મે અહીંયા સિવિલ આવતા જોયા નથી. યાજ્ઞિક રોડની આ બીજી ઘટના છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘આની પહેલા પણ આવો જ એક સ્લેબ પડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. ત્યારે વિપક્ષની એટલી જ માગ છે કે, ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર સાથે જે જાનમાલની નુકશાની થઈ છે તેની પણ સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે. જો પ્રિ-મોન્સૂનની કામગીરી તંત્રએ કરી હોય તો આ વોકળાની દિવાલ નબળી હતી એ એમને ન દેખાઈ. જે કોઈપણ પદાધિકારીની આમાં સંડોવણી હોય તેની વિરુદ્ધ તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.’
સાંસદ, ધારાસભ્ય, મેયર તમામ ખોટા ‘ખડી’ ચેરમેન ‘ઠાકર’ જ સાચા ?
શહેરના યાજ્ઞીક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં વોંકળાના સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં રપ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની કબુલાત સાંસદ, ધારાસભ્ય, મેયર, શહેર ભાજપના આગેવાનો અધિકારીઓ કરી રહ્યા હતા પરંતુ ખડિ સમિતિના ચેરમેન જયમીન ઠાકર સમગ્ર ઘટનામાં જાણે ઢાંક પીછોડો કરવાના પ્રયાસો કરવાના પ્રયાસ કરતા હતા. મીડિયા સમક્ષના નિવેદનમાં જયમીન ઠાકર માત્રને માત્ર એક જ વાત કરતા હતા કે, સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં રપ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાની વાત તદ્દન ખોટી છે. માત્ર સાતથી આઠ વ્યકિતઓને ઇજા થવા પામી છે. જેઓને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે.
શહેરીજનો ખોટી અફવાથી દુર રહે, ઘટના માટે ગણેશ મહોત્સવના આયોજકોને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યા હતા. આ ઘટનામાં સંપૂર્ણ પણે મહાપાલિકાનું નિભર તંત્ર જ જવાબદાર છે. વોંકળા વેંચી માર્યા બાદ બાંધકામની ગુણવતા ચકાસવામાં આવતી નથી. જયમીન ઠાકર બચાવની ભૂમિકામાં આવ્યા હતા. સાંસદ, ધારાસભ્ય, મેયર મ્યુનિ. કમિશ્નર તમામને ખોટા પાડી પોતે જ સાચા હોય તેવું ગાણું ગાતા હતા. જો જયમીન ઠાકર સાચા જ હોય તો પછી સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ જે રપ લોકો સારવાર લઇ રહ્યા છે તે કેવી રીતે ઇજાગ્રસ્ત બન્યા તે પણ સવાલ છે…