ઓવર લોડ રેતી ભરેલા ડમ્પર અટકાવતા ઉશ્કેરાયેલા ટ્રાફિક બ્રિગેડે આરટીઓ ઇન્સ્પેકટરને ટ્રક નીચે કચડી નાખવા અને લાંચના ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી દીધી
શહેરમાં ટ્રાફિક નિયમન માટે સહાયક તરીકે રહેલા ટીઆરબીની વધુ એક ગુનાહીત પ્રવૃતિ સામે આવી
શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસના સહાયક તરીકે રાખવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ અવાર નવાર લાંચ લેવા અને વાહન ચાલકો સાથેના ઘર્ષણના કારણે વારંવાર વિવાદમાં આવતા ટ્રાફિક બ્રિગેડના સ્ટાફ દ્વારા ઓવર લોડ રેતી ભરેલા ડમ્પરનો વ્યવસાય સાથે સંકડાયેલા હોવાનું અને તેની સામે કાર્યવાહી કરનારને ધાક ધમકી દેતા હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે આરટીઓ ઇન્સ્પેકટરને અમારી રેતી ભરેલી ગાડી કેમ રોકી કહી બે ટ્રાફિક બ્રિગેડ સહિત છ શખ્સોએ ફરજમાં રુકાવટ કરી ટ્રક નીચે કચડી નાખવાની અને લાંચના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલા આકાશવાણી ગર્વમેન્ટ કવાર્ટરમાં રહેતા અને આરટીઓમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કલ્પરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાએ ટ્રાફિક બ્રિગેડ ધનરાજ, સચિન માખેલા ઉર્ફે આયર, મયુર સોલંકી, લાલો આહિર, કરણ બોરીચા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરજમાં રુકાવટ કરી ટ્રક નીચે કચડી નાખવાની તેમજ લાંચના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી દીધાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કલ્પરાજસિંહ ઝાલા તેમના ડ્રાઇવર અજયભાઇ પરમાર અને ગાર્ડ દાઉદબીન ગત તા.28 જુલાઇના રાતે કુવાડવા રોડ પર માલીયાસણ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમિયાન જી.જે.10ટીએકસ. 5202 નંબરનું રેતીનું ઓવર લોડ ભરેલું ડમ્પર રોકી તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન બીજુ ડમ્પર જી.જે.13વી. 7938 નંબરનું ડમ્પર પણ રેતીનું ઓવર લોડ ભરેલું પસાર થતા તેને રોકયું હતું.
જી.જે.13વી. 7938 નંબરનું ડમ્પર રોક્યું ત્યારે તેની પાછળ આવતા જી.જે.12બીઝેડ. 701 નંબરનું ટેન્કર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના ચાલકને માથામાં ઇજા થતા તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડયો તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના ધનરાજ સહિતના છ શખ્સો કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે ધસી આવ્યા હતા અને અમારી ડમ્પર કેમ રોકી તેમ કહી આરટીઓની સરકારી ગાડીમાં હાથ પછાડી મોટા અવાજે ગોકીરો કરી ફરજમાં રુકાવટ કરી હતી તેમજ ટ્રક નીચે કચડી નાખવાની ધમકી દઇ લાંચના ખોટા કેસમાં ફસાવી દેવા કહ્યું હતું.ટ્રાફિક બ્રિગેડના ધનરાજ સહિતના શખ્સોએ કુવાડવા રોડ પર બઘડાટી બોલાવી ત્યારે આરટીઓ ઇન્સ્પેકટર કલ્પરાજસિંહ ઝાલાએ બોડીવોર્ન કેમેરો રાખ્યો હોવાથી તમામ ઘટના રેકોર્ડીંગ થઇ ગઇ હતી. કુવાડવા રોડ પોલીસે ધનરાજ સહિતના શખ્સો સામે ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.આર.વળવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.