પઠાણી ઉઘરાણી કરતા ઉમરાળીના પાંચ અને રાજકોટના એક સહિત છ વ્યાજખોર સામે નોંધાતો ગુનો
અગાઉ વ્યાજખોરોએ ત્રાસ આપતા વેપારી ઘર છોડવું પડ્યું હતું
રાજકોટના સરધાર ગામે રહેતા અને અગાઉ ફ્રુટ નો વેપાર કરતા યુવાને ઉમરાળીના પાંચ અને રાજકોટના એક સહિત છ શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વધુ વ્યાજ ઉઘરાવવા વ્યાજખોરો ધાક ધમકી આપતા હોવાથી તે છેલ્લા સવા વર્ષથી રાજસ્થાન રહેવા માટે ચાલ્યા ગયા હતા. બાદ તેઓ રાજકોટ આવતા વ્યાજખોરોએ તેની પાસે વધુ વ્યાજ પડાવવા માટે ધાક ધમકી આપતા હોવાથી તેને પોલીસ ફરિયાદ કરતા પોલીસે છ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
વિગતો મુજબ રાજકોટના સરધાર ગામના અને હાલ છેલ્લા સવા વર્ષથી રાજસ્થાન રહેતા વિશાલ મગનલાલ જિયા નામના વેપારીએ ઉમરાળી ગામના મનુ રામ ચાવડા, યુવરાજ સુખા ડવ, ભરત વિરા ચાવડા, બાબુ વિરા ચાવડા, તેજા અમરા જળુ અને રાજકોટના પપ્પુ પ્રભાત ચાવડા નામના વ્યાજખોરો સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું હતું કે, તે અગાઉ ફ્રૂટનો ધંધો કરતો હતો. ધંધામાં ખોટ જતા ચાર વર્ષ પહેલાં વ્યાજખોર મનુ ચાવડા પાસેથી 10 ટકાના વ્યાજે રૂ.10 લાખ લીધા હતા. જેની સામે તેણે પોતાની સહી કરેલા ચાર ચેક તેમજ કોરા કાગળમાં સહી કરાવી હતી. ધંધાની ખોટ પૂરી કરવા માટે વ્યાજે રૂપિયા લીધા બાદ ખોટ તો પૂરી ન થઇ શકી મનુ ચાવડાને ચૂકવવા માટે યુવરાજ ડવ પાસેથી 10 ટકાના વ્યાજે 5 લાખ લીધા હતા.
બાદમાં મનુ ચાવડા અને યુવરાજ ડવને ચૂકવવા માટે ભરત ચાવડા અને તેના ભાઇ બાબુ પાસેથી 10 ટકે રૂ.10 લાખ લીધા હતા. તેજા જળુ પાસેથી 10 ટકે 4.50 લાખ, પપ્પુ ચાવડા પાસેથી 5 ટકે રૂ.2 લાખ લીધા હતા. આમ વ્યાજખોરોને ચૂકવવા માટે એક પછી એક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લેતા પોતે વ્યાજના વમળમાં ફસાઇ ગયો હતો.બીજી તરફ ધંધો પણ સરખો ચાલતો ન હોય પોતે રાજકોટ છોડી રાજસ્થાન જતો રહ્યો હતો. બે મહિના પહેલા પરત રાજકોટ આવ્યાની છએય વ્યાજખોરોને જાણ થતા તેઓ મારી પાસે આવી વ્યાજ અને મૂળ રકમ ચૂકવવા દબાણ કરવા લાગ્યા હતા. જેને કારણે પોતે ફરી રાજસ્થાન જતો રહ્યો હતો.બાદ તેને રાજકોટ આવી છ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.