લખતર તાલુકાના વિઠ્ઠલાપરાની ૨૬ વિઘા જમીનના ખાતેદારનો વારસાઇ હક્ક જતો કરવા અંગેના બોગસ સોગંદનામા તૈયાર કરી કૌભાંડ આચર્યાની સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહેશભાઇ કાળુભાઇ નૈત્રાએ પોતાના કુટુંબી હરી ઉર્ફે હરશન પોપટ નૈત્રા, છના પોપટ નૈત્રા, નાનુ પોપટ નૈત્રા, અશોક પોપટ નૈત્રા, બોગસ આધાર કાર્ડ તૈયાર કરી આપનાર મુકેશ ડાભી, મુકેશ હિમંત કોળી અને બચુ કમશુ કોળી નામના શખ્સો સામે મૃતક વ્યક્તિના નામનું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી તેના આધારે ૨૬ વિઘા ખેતીની જમીનમા હક્ક જતો કર્યાનું સોગંદનામું તૈયાર કરી મામલતદાર કચેરીએ રજુ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન હડપ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
મહેશભાઇ નૈત્રા પોલીસ ફરિયાદ ન કરે તે માટે જમીનમાં વારસાઇ હક્ક ધરાવતા અને કૌભાંડ આચરનાર કુટુંબી દ્વારા મૃતક અમરશી ડાયાના નામનું ખોટુ આધાર કાર્ડ બનાવી અમરશી ડાયાના ફોટાની જગ્યાએ બચુ કમશુ કોળીનો ફોટો ખોટુ આધાર કાર્ડ મુકેશ ડાભીએ તૈયાર કરી આપતા તેના આધારે વર્ષો પહેલાં અવસાન પામેલા અમરશી ડાયાના નામનું બોગસ સોગંદનામું બનાવ્યાનું ફરિયાદમાં જણાવી ફરી પ્રથમ સોગંદનામું ખોટુ તૈયાર થયા અંગેની કબુલાત કરતુ બીજુ સોગંદનામું તૈયાર કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. લખતર પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.એમ.રબારી સહિતના સ્ટાફે સાતેય શખ્સો સામે જમીન કૌભાંડ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.