કેક એન્ડ જોય આલમંડ કૂકીઝના પેકેટ પર ઉત્પાદન તારીખનો ઉલ્લેખ ન હતો: નમૂના ફેઇલ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ફેટ સ્પ્રેડ, કેશર શ્રીખંડ, શુદ્વ ઘીના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કેક એન્ડ જોય આલમંડ કૂકીઝનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા મવડી મેઇન રોડ પર ઉદયનગર-1 સ્થિત વિનાયક નગરમાં વિરેન પિયુષભાઇ જોબનપુત્રાના જલારામ ઘી ડેપોમાંથી શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટ દરમ્યાન ફોરેન ફેટ અને તલના તેલની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત દેવપરા શાક માર્કેટ પાસે કોઠારીયા રોડ પર પરેશભાઇ રમણીકભાઇ કોટકના જલિયાણ ઘી સેન્ટરમાંથી શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ફોરેન ફેટ અને તલના તેલની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. મવડી મેઇન રોડ પર નવલનગરમાં રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં આવેલા શૈલેષભાઇ ટીલાળાની માલિકીની ગણેશ ડેરીમાંથી કેસર શ્રીખંડનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં કલરીંગ મેટર તરીકે સિન્થેટીક ફૂડ કલર અને ટાર્ટાઝીંનની હાજરી મળી આવી હતી. તેના કારણે નમૂનો નાપાસ જાહેર કરાયો હતો. લીમડા ચોકમાં હિમાંશુ કુમાર સત્યેદ્રસિંહની મરાસા હોસ્પિટલીટી પ્રાઇવેટ લીમીટેડમાંથી ન્યૂટ્રીલાઇટ પ્રોફેનલ ક્રીમીલીયસ મિક્સ ફેટ સ્પ્રેડનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં એસિડની વેલ્યૂ નિયત ધારાધોરણ કરતા વધુ માત્રામાં મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
જ્યારે સ્વામિનારાયણ ચોકમાં શ્યામ કોમ્પ્લેક્સમાં આવેલી મલય ઘનશ્યામભાઇ કોટકની માલિકીની કેક એન્ડ જોય દુકાનમાંથી આલમંડ કૂકીઝનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પેકીંગ પર ઉત્પાદનની તારીખ દર્શાવવામાં આવી ન હોય નમૂનો પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
હેવમોર, વાડીલાલ અને અમૂલ આઇસ્ક્રીમના નમૂના લેવાયા
આરોગ્ય શાખા દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ આજે અલગ-અલગ ત્રણ સ્થળોએથી આઇસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. કાલાવડ રોડ પર મહિલા કોલેજની પાછળ આવેલી સેતુબંધ સોસાયટીમાં શ્રીસાંઇ એજન્સીમાંથી હેવમોરનો સ્ટ્રોબેરી ફ્લેવર આઇસ્ક્રીમનો જ્યારે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં જીવન બેંકની સામે આત્મીય એન્ટરપ્રાઇઝમાંથી વાડીલાલ બ્રાન્ડનો બદામ કાર્નિવલ આઇસ્ક્રીમ અને કસ્તૂરબા રોડ બિલખા પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભારત સેલ્સ એજન્સીમાં અમૂલ કૂકીઝ એન્ડ ક્રીમ આઇસ્ક્રીમનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે.