રાજકોટ જિલ્લા સહિત રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આજે સર્વર ઠપ્પ થઈ જતા કામગીરી બંધ રહી છે. જેને પગલે દસ્તાવેજના કામ માટે આવેલ અરજદારોને કલાકો સુધી રાહ જોયા બાદ પરત ફરવું પડ્યું હતું.
કચેરીમાં સવારથી મોટી સંખ્યામાં અરજદારોના જમાવડા, કલાકો રાહ જોયા બાદ પરત ફરવું પડ્યું : ભારે દેકારો
રાજકોટ જિલ્લાની 18 સહિત રાજ્યની 260 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આજે કામગીરી બંધ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સર્વર ઠપ્પ થઈ ગયું હોય દસ્તાવેજની કામગીરી થઈ શકી નથી. રાજકોટ જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આજે અગાઉથી નક્કી થયેલા સ્લોટ મુજબ અરજદારોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. કદાચ સર્વર ઠીક થઈ જાય અને કામગીરી પુન:શરૂ થાય તેવી આશાએ કલાકો સુધી અરજદારોએ કચેરીમાં પડાવ નાખ્યા હતા. પણ બપોર સુધી સર્વરની સમસ્યામાં કોઈ સોલ્યુશન ન આવતા અંતે અરજદારોને પરત ફરવાનો વારો આવ્યો હતો. આ કારણે અનેક કચેરીઓમાં ભારે દેકારો પણ બોલી ગયો હતો.