સેનિટેશન સમિતિના ચેરમેન પદે અશ્ર્વિન પાંભર, વોટર વર્કસ સમિતિના ચેરમેન પદે દેવાંગ માંકડ, આરોગ્ય સમિતિના ચેરમેન પદે ડો.રાજેશ્ર્વરીબેન ડોડીયા, લાઈટીંગ સમિતિના ચેરમેન પદે જયાબેન ડાંગર અને પ્લાનીંગ સમિતિના ચેરમેન પદે નરેન્દ્ર ડવની નિમણૂંક: 15 ખાસ સમિતિના ચેરમેન આવતીકાલે વિધિવત ચાર્જ સંભાળશે
રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપભાઈ ડવના અધ્યક્ષ સ્થાને મળેલી ખાસ સભામાં 15 પેટા સમિતિના સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી અને ઓફિસર્સ સિલેકશન સમિતિના સભ્યો પણ નિમવામાં આવ્યા હતા. 15 પેટા સમિતિના ચેરમેન આવતીકાલે સવારે 11 કલાકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લેશે. બાંધકામ સમિતિના ચેરમેન પદે કેતનભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તો સમાજ કલ્યાણ સમિતિનો હવાલો પરેશ પીપળીયાને સોંપવામાં આવ્યો છે.
આજે સવારે મળેલી ખાસ સભામાં અલગ અલગ 15 સમિતિઓના સભ્યોની વરણી કરવામાં આવી છે. સૌથી મોટી બાબત એ છે કે, સ્ટેન્ડિંગ કમીટીમાં જે રીતે કોંગ્રેસના કોર્પોરેટરોને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી તે રીતે જ 15 પેટા સમિતિઓને પણ કોંગ્રેસ મુક્ત રાખવામાં આવી છે. સમિતિઓના પાંચ સભ્યો પૈકી જે સભ્યનું પહેલુ નામ હોય તે ચેરમેન હોય છે.
બાંધકામ સમિતિના ચેરમેન પદે કેતનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે સભ્ય તરીકે બિપીનભાઈ બેરા, નિરૂભા વાઘેલા, નરેન્દ્રસિંહ જાડેજા અને પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો સેનિટેશન સમિતિના ચેરમેન પદે અશ્ર્વિનભાઈ પાંભર, સભ્યપદે સુરેશભાઈ વસોયા, મગનભાઈ સોરઠીયા, જયશ્રીબેન ચાવડા અને કુશુમબેન ટેકવાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.4ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા સભ્યપદે સંજયસિંહ રાણા, ડો.દર્શનાબેન પંડ્યા, લીલુબેન જાદવ અને પરેશ પીપળીયા (પીપી), આરોગ્ય સમિતિના ચેરમેન પદે ડો.રાજેશ્ર્વરીબેન ડોડીયા, સભ્યપદે દક્ષાબેન વસાણી, ડો.દર્શનાબેન પંડ્યા, મગનભાઈ સોરઠીયા અને કુશુમબેન ટેકવાણી, લાઈટીંગ સમિતિના ચેરમેન પદે જયાબેન ડાંગર, સભ્યપદે વજીબેન ગોલતર, કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા અને અસ્મીતાબેન દેલવાડીયા, વોટર વર્કસ સમીતીના ચેરમેન પદે દેવાંગભાઈ માંકડ, સભ્યપદે નિલેશભાઈ જલુ, રસીલાબેન સાકરીયા અને આશાબેન ઉપાધ્યાય, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદે કંચનબેન સિદ્ધપુરા, સભ્યપદે અલ્પાબેન દવે, હાર્દિક ગોહિલ, સોનલબેન સેલારા અને વર્ષાબેન પાંધી, માર્કેટ સમિતિના ચેરમેન પદે દેવુબેન જાદવ, કિર્તીબા રાણા, કાળુભાઈ કુગશીયા, પ્રિતીબેન દોશી અને દક્ષાબેન વાઘેલા, હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લીયરન્સ સમિતિના ચેરમેન પદે વર્ષાબેન રાણપરા, સભ્યપદે સંદીપભાઈ ગાજીપરા, નિરુભા વાઘેલા, મંજુબેન કુગશીયા અને દક્ષાબેન વાઘેલા, પ્લાનીંગ સમીતીના ચેરમેન પદે નરેન્દ્રભાઈ ડવ, સભ્યપદે રણજીતભાઈ સાગઠીયા, લીલુબેન જાદવ, નિરુભા વાઘેલા અને મંજુબેન કુગશીયા, ડ્રેનેજ સમીતીના ચેરમેન પદે હિરેનભાઈ ખીમાણી, સભ્યપદે વિનુભાઈ સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, મીનાબા જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજા, બાગ બગીચા તથા ઝુ સમિતિના ચેરમેન પદે અનિતાબેન ગૌસ્વામી, સભ્યપદે કંકુબેન ઉધરેજા, જયશ્રીબેન ચાવડા, અસ્મીતાબેન દેલવાડીયા, ભારતીબેન મકવાણા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ તથા અગ્નિ શામક સમિતિના ચેરમેન પદે જ્યોત્સનાબેન ટીલાળા, સભ્યપદે રૂચિતાબેન જોષી, નરેન્દ્રસિંહ જાડેજા, કુશુમબેન ટેકવાણી અને વર્ષાબેન પાંધી, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગીક શિક્ષણ સમિતિના ચેરમેન પદે ભાવેશભાઈ દેથરીયા, સભ્યપદે રવજીભાઈ મકવાણા, આશાબેન ઉપાધ્યાય, પ્રિતીબેન દોશી અને હાર્દિક ગોહિલ જ્યારે એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન પદે દિલીપભાઈ લુણાગરીયા, સભ્યપદે જીતુભાઈ કાટોળીયા, મિતલબેન લાઠીયા, મગનભાઈ સોરઠીયા અને મીનાબા જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે. તમામ 15 સમિતિના ચેરમેનો આવતીકાલે સવારે 11 કલાકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે.
ખાસ સમિતિઓ પણ કોંગ્રેસ મુક્ત
શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી કોંગ્રેસ માત્ર વોર્ડ નં.15ની 4 બેઠકો જીતવા સફળ રહી છે. જે રીતે શહેરના 17 વોર્ડ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત થઈ ગયા છે. તે જ રીતે હવે મહાપાલિકામાં અલગ અલગ ખાસ 15 સમિતિઓ પણ કોંગ્રેસ મુક્ત બની જવા પામી છે.
સ્ટેન્ડિંગ કમીટીમાં જે રીતે ભાજપે કોંગ્રેસના એક પણ નગરસેવકને સભ્ય તરીકે સ્થાન આપ્યુ ન હતું તે જ રીતે ખાસ સમિતિમાં કોંગ્રેસના એક પણ નગરસેવકને સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ ભાજપના શાસકો રહેમરાહે કોંગ્રેસને માન્ય વિરોધ પક્ષ ન હોવા છતાં ચેમ્બર અને વિપક્ષી નેતાને ગાડીની ફાળવણી કરશે તેવી જાહેરાત અગાઉ કરવામાં આવી છે પરંતુ આ માટે શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના સત્તાવાર લેટરપેડ પર જે નગરસેવકનું નામ મોકલશે તેને ગાડીની ફાળવણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોંગ્રેસ કોને વિપક્ષી નેતા બનાવવા તે નક્કી કરી શકી ન હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમીટીને જે રીતે સંપૂર્ણપર્ણ કોંગ્રેસ મુક્ત રાખવામાં આવી છે તે જ રીતે મહાપાલિકાની અલગ અલગ 15 સમિતિઓમાં પણ કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી નાખવામાં આવ્યો છે.
સામા કાંઠાને સવાયો સાચવી લેવાયો 15 માંથી 6 સમિતિઓમાં ચેરમેન પદ
મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ હોદ્દાઓ પૈકી એક પણ હોદ્દા પર સામાકાંઠામાં નગર સેવકને સ્થાન આપવામાં ન આવતા એવો ગણગણાટ શરૂ થયો હતો કે ભાજપને ભારો-ભાર અન્યાય કર્યો છે. જો કે, ખાસ સમિતિઓની રચનામાં પક્ષે સામાકાંઠાને સવાયો સાચવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 15 સમિતિમાંથી 6 સમિતિમાં ઉપલાકાંઠે ચૂંટાયેલા સેવકોને બેસાડી દેવામાં આવ્યા છે. આટલું જ નહીં ઉપલાકાંઠાના તમામ કોર્પોરેટરોને અલગ અલગ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.4ના પરેશભાઈ પીપળીયાની નિમણૂંક કરવામાં આવી છે. તો કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.16ના નગરસેવિકા કંચનબેન સિધ્ધપુરાની વરણી જ્યારે માર્કેટ સમિતિના ચેરમેન પદ વોર્ડ નં.6ના નગરસેવિકા દેવુબેન જાદવને આપવામાં આવ્યું છે તો પ્લાનીંગ સમિતિના ચેરમેન પદે નરેન્દ્રભાઈ ડવને સત્તારૂઢ કરવામાં
આવ્યા છે. માધ્યમિક શિક્ષણ અને આનુસંગીક શિક્ષણ સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.6ના નગરસેવક ભાવેશ દેથરીયાને બેસાડી દેવામાં આવ્યા છે તો એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.5ના કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયાને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય પાંચ હોદ્દામાં અવગણના કરવામાં આવી હોય પરંતુ પેટા સમિતિની નિમણૂંકમાં ઉપલાકાંઠાનો દબદબો જોવા મળી રહ્યો છે.