કિશાનપરા ચોક પાસે મહિલા સહિત ત્રણ શખ્સોએ સાવરકુંડલાના માતા-પુત્રને લમધાર્યા
શહેરમાં બેડીનાકા વિસ્તારમાં રહેતો અને બાવાજીરાજ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધો.5નાં છાત્રને નજીવા પ્રશ્ર્ને ચાર વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. માસુમને ઈજા પહોચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કિશાનપરા ચોક પાસે નજીવા પ્રશ્ને મહિલા સહિત ત્રણ શખ્સોએ સાવરકુંડલાના માતા-પુત્રને લમધાર્યાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડીનાકા વિસ્તારમાં આવેલા નકલંક મંદિરની બાજુમાં રહેતો હર્ષાગ રાજુભાઈ વાઘેલા નામનો 10 વર્ષનો બાળક ગઇ કાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં દરબારગઢ પાસે આવેલી બાવાજીરાજ સ્કૂલમાં હતો ત્યારે સાથે અભ્યાસ કરતાં અન્ય ચાર વિદ્યાર્થીઓએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં ઘવાયેલા વિદ્યાર્થીને ઈજા પહોચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક પુછપરછમાં હર્ષાંગ વાઘેલા ધો.5માં બારાજીરાજ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કાલે સ્કૂલમાં હતો ત્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા બાદલબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.70) અને તેમનો પુત્ર રાજુ બાબુભાઈ પરમાર (ઉ.વ.27) કિશાનપરા ચોકમાં હતા ત્યારે અરૂણાબેન, તાજુ અને અશોક નામના શખ્સોએ કોઈ કારણોસર ઝઘડો કરી માર માર્યો હતો. માતા પુત્રને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.