બ્રિજની પહોળાઇ 16.50 મીટર અને લંબાઇ 600 મીટરની હશે: 54 કરોડના ખર્ચે નવો પુલ બનશે: સરકારમાંથી મંજૂરી મળતાની સાથે જ ચૂંટણીની આચાર સંહિતા ઉઠતા ટેન્ડર કરાશે પ્રસિદ્વ
શહેરના જામનગર રોડ પર આવેલો વર્ષો જૂના સાંઢીયા પુલનું આયુષ્ય હવે પૂર્ણ થઇ ગયું છે. બ્રિજ પરથી 10 ટન કે તેથી વધુ વજન લઇને જતા વાહનોની અવર-જવર પર દોઢ વર્ષ પૂર્વે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા 54 કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવશે. હાલ સાંઢીયો પુલ ટુ લેન છે. હવે નવી ડિઝાઇન મુજબ ફોર લેન બ્રિજ બનશે અને લંબાઇ પણ વધશે. બ્રિજની નવી ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી છે. આખરી મંજૂરી માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેને બહાલી મળતાની સાથે જ વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા બાદ બ્રિજનિર્માણ માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કાઠીયાવાડ સ્ટેટના સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બ્રિજના નીચેના પીલર માટીના બનેલા છે છતાં હજુ સુધી બ્રિજ અડીખમ ઉભો છે. સમય અવધિ પૂર્ણ થઇ ગઇ હોવાના કારણે આજથી દોઢ વર્ષ પહેલા સાંઢીયા પુલ પરથી 10 ટન કે તેથી વધુ વજન ભરેલું હોય તેવા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથોસાથ મોટી ગ્રીલ પણ ફીટ કરી દેવામાં આવી છે. હજુ બ્રિજ જર્જરિત નથી પરંતુ તંત્ર કોઇ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. વર્ષો સુધી સાંઢીયા પુલને પહોળો કરવાનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહ્યો હતો.
હવે આ પ્રોજેક્ટ આગળ ધપે તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના ઇજનેરો દ્વારા સાંઢીયા પુલની નવી ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકારના જી.એ.ડી. વિભાગ સમક્ષ ડિઝાઇન મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. બ્રિજના નિર્માણ માટે ચાલુ સાલના બજેટમાં કોઇ નાણાકીય જોગવાઇ કરવામાં આવી ન હોય કોર્પોરેશન દ્વારા બ્રિજ બનાવવા માટે જીયુડીએમ સમક્ષ ગ્રાન્ટની પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ ટુ લેન સાંઢીયા પુલ નવી ડિઝાઇન મુજબ ફોર લેનનો થશે અને નિર્માણ માટે 54 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. બ્રિજની પહોળાઇ 16.50 મીટર અને લંબાઇ 600 મીટરથી પણ વધુની હશે. રેલવે વિભાગ હસ્તકની જમીનમાં બ્રિજનું જે ભાગ આવે છે તેના નિર્માણનો ખર્ચ રેલવે દ્વારા આપવામાં આવે તે માટે કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગના અધિકારીઓ સાથે પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો છે. હાલ ડિઝાઇન મંજૂરીની પ્રક્રિયા સરકારમાં આખરી તબક્કામાં છે.
જો કે, એકાદ-બે દિવસમાં ડિઝાઇન મંજૂર કરી દેવામાં આવે તો પણ વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવી જાય તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી જ્યારે ચૂંટણી પૂર્ણ થશે અને આચાર સંહિતા ઉઠશે ત્યારબાદ ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રામવનમાં રામસેતુ અને એડવેન્ચર બ્રિજ પર સુરક્ષા વધારાઇ
મોરબીમાં ઝુલતો પુલ ધરાશાઇ થતા 135થી લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. રાજ્યમાં ફરી કોઇ શહેર કે ગામમાં આવી દુ:ખદ ઘટના ન બને તે માટે તંત્ર સબક લઇ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા આજી ડેમ પાસે બનાવવામાં આવેલા ‘રામવન’માં અલગ-અલગ બે બ્રિજ આવેલા છે જ્યાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ દેવામાં આવી છે. વધુ લોકોના બ્રિજ પર અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે અને તહેવારના દિવસોમાં આ બ્રિજ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવશે. ‘રામવન’માં આવેલો રામસેતુ નામનો બ્રિજ સ્ટીલનો બનેલો છે.
બ્રિજની બંને છેડે આરસીસી સ્ટ્રક્ચર છે. બ્રિજની લંબાઇ માત્ર 100 મીટરની છે પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી બંને છેડે કાયમી ધોરણે બે સિક્યુરિટી ગાર્ડ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અહિં આવેલા એડવેન્ચર બ્રિજ જે આરસીસી સ્ટ્રક્ચર ધરાવે છે પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી અહિ પણ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અહિં ફોટોગ્રાફી માટે બે ટાવર ઉભા કરવામાં આવ્યા છે જે સામાન્ય સહેલાણીઓ માટે કાયમી ધોરણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.