મોરબી રોડ પર ગાયત્રી મદ્રાસ કાફેમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો: ગીતાબેન ખાખરાવાળા સહિત 9 વેપારીઓને નોટીસ
દિવાળીના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કડક ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે અલગ-અલગ છ સ્થળોએથી બદામ, જામનગરી મુખવાસ, અંજીર સહિતની ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી રોડ પર ગાયત્રી મદ્રાસ કાફેમાં ચેકીંગ દરમિયાન મળી આવેલા નવ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ શાખા દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ પર રાધે ડ્રાયફ્રૂટમાંથી લૂઝ બદામ, માયાણી ચોકમાં વરૂડી ટ્રેડર્સમાંથી લૂઝ બદામ, યુનિવર્સિટી રોડ પર મુખવાસ વર્લ્ડમાંથી સ્પેશિયલ જામનગરી મુખવાસ, ધર્મેન્દ્ર રોડ પર સહજાનંદ મુખવાસમાંથી તલ-વરીયાળીનો મુખવાસ, દાણાપીઠમાં શ્રી પંજવાણી ઇન્ટરનેશનલમાંથી વીની પિસ્તા જ્યારે પરાબજારમાં જગદંબા ટ્રેનીંગમાંથી ડ્રાયફ્રૂટ અંજીરનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
શહેરના મોરબી રોડ પર તીર્થ એપાર્ટમેન્ટમાં આવેલા ગાયત્રી મદ્રાસ કાફેમાં ચેકીંગ દરમિયાન પાંચ કિલો વાસી બટેટા અને ચાર કિલો ટમેટાના જથ્થાનો નાશ કરી પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન ગીતાબેન ખાખરા વાળા, મહાકાલ ગાંઠીયા, એ-વન પાન, જુગાડીય અડ્ડા, મોમાઇ ડીલક્સ પાન, વી દેશી ફાસ્ટફૂડ, મન મોહન ડેરી, ગાયત્રી જનરલ સ્ટોર્સ અને તિરૂપતી ડેરીને નોટિસ આપવામાં આવી હતી.