મોહનથાળ, મિક્સ મિઠાઇ અને ગુલાબ બરફીના નમૂના લેતું કોર્પોરેશન
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ડાયાબીટીસની ફાકી અને બે સ્થળેથી લેવાયેલા મિક્સ દૂધના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થયા છે. દરમિયાન અલગ-અલગ સ્થળેથી મોહનથાળ, મિક્સ મીઠાઇ અને ગુલાબ બરફીના નમૂના લઇ પરિક્ષણમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના જયંત કે.જી. રોડ પર વૈદ્યવાડી વિસ્તારમાં અશ્ર્વિનભાઇ પરસોત્તમભાઇ મજેઠીયાના અભિનય સ્ટોર્સમાંથી અભિનય ડાયાબીટીસની ફાકીનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં ન્યૂટ્રીશનલ ઇર્ન્ફોમેશન દર્શાવવામાં આવી ન હતી. ખાદ્ય ચીજનું નામ પણ દર્શાવવામાં આવ્યું ન હોય નમૂનો મિક્સ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાગરભાઇ ગજેરાની ઘનશ્યામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો. જેમાં ફોરેન ફેટની હાજરી મળી આવી હતી. જ્યારે તિરૂપતી નગરમાં માયાભાઇ સવાભાઇ પરમારની નશીબ હોટેલમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવાયો હતો. જેમાં ધારા ધોરણ કરતા મિલ્ક ફેટ ઓછા અને મિલ્ક સોલીડ નોટફેટ ઓછા હોવાના કારણે નમૂનો સબ સ્ટાર્ન્ડ્ડ જાહેર કરવામાં આવ્યો છે.
ચેકીંગ દરમિયાન આજે સંતકબીર રોડ પર શ્રી ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ્સ માર્ટમાંથી મોહનથાળ, નવા થોરાળા વિસ્તારમાં રામનગર સોસાયટીમાં જય માટેલ સ્વીટ્સ એન્ડ નમકીનમાંથી મિક્સ મિઠાઇ જ્યારે કોઠારીયા રોડ પર રણુજા મંદિર સામે આવેલી રામેશ્ર્વર ડેરીમાંથી ગુલાબ બરફીનો નમૂનો લેવામાં આવ્યો હતો. વિજય નગર વિસ્તારમાં ખાણીપીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 17 સ્થળે નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરાયું હતું. જ્યારે પાંચ પેઢીઓને નોટિસ આપવામાં આવ્યું છે. પુષ્કરધામ મેઇન રોડ પર 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ પેઢીને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ અપાઇ છે.