રાજકોટના કોરોનાના કેસો વધી રહ્યા હોય તંત્ર દ્વારા બેડની સંખ્યા વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સમરસ હોસ્ટેલને કોરોનાની સારવાર માટે પુન: શરૂ કરવા માટે સજ્જ કરી દેવામાં આવ્યું છે. અંદાજે એક કે બે દિવસમાં આ હોસ્ટેલને શરૂ કરી દેવાય તેવા કલેકટરે નિર્દેશો આપ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે. સાથોસાથ દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. અગાઉ વહીવટી તંત્રએ કેન્સર હોસ્પિટલ પુન: શરૂ કરી તેમાં 192 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. ત્યારબાદ હવે સમરસ હોસ્ટેલ પણ પુન: શરૂ કરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
સમરસ હોસ્ટેલમાં બે બિલ્ડીંગ છે. જેમાંથી એક બિલ્ડીંગ જ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. બીજી બિલ્ડીંગમાં અંદાજે 239 વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે તેઓને ત્યાં જ રહેવા દેવામાં આવશે. હાલ અહીં 500 બેડની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. બાકીની તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલ અંદાજે એકાદ બે દિવસમાં શરૂ કરી દેવામાં આવે તેવા નિર્દેશ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આપવામાં આવ્યા છે.