રાજકોટમાં કાલાવડ રોડ પર અક્ષર માર્ગ ઉપર આવેલા શિલ્પા લાઇફ સ્ટાઇલ નામના શો રૂમનો સેલ્સમેન નિકુંજ જમનાદાસ આડેસરા (રહે. ભીડભંજન સોસાયટી શેરી નં. 5, શ્રીનાથજી-2 એપાર્ટમેન્ટ, ફલેટ નં. 402) રૂા. 4.71 કરોડના દાગીના ઓળવી ગયાની માલવિયાનગર પોલીસમાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે માલવિયાનગર પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી આરોપી નિકુંજને સકંજામાં લીધી હતો ત્યારે પોલીસે તેની પૂછપરછ કરતા તેને સટ્ટામાં પૈસા ગુમાવતા સમગ્ર કારસ્તાન રચયાની કબૂલાત આપી છે.
સેલ્સમેને 8125 ગ્રામના દાગીના ઓળવી લેતા પોલીસ ફરીયાદ કરાઈ હતી
મળતી વિગતો મુજબ જવેલરી શો રૂમમાં છેલ્લા 17 વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા પ્રિતેશભાઈ પ્રકાશભાઇ રાણપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી નિકુંજ તેના શો રૂમમાં છેલ્લા સાતેક વર્ષથી નોકરી કરે છે. હાલમાં તે સેલ્સમેનનું કામ કરે છે. શો રૂમમાં સોનાના ચેઇન, સોનાના મંગળસૂત્ર અને સોનાના પંજાનું વેચાણ અને સ્ટોક મેઇન્ટેઇન કરવાની તેને કામગીરી સોંપાઇ હતી.જેનો હિસાબ તે સંભાળતો હતો. દરરોજ વેચાણનો હિસાબ રાતના સમયે શો રૂમના કોમ્પ્યુટરાઇઝડ હિસાબમાં તેની પાસે ટેલી કરાવતો હતો.
દર મહિને એકવાર સોનાના દાગીનાની ગણતરી કરી તેને કોમ્પ્યુટરાઇઝડ સ્ટોક સાથે મેળવી, ચેક કરી તેનો વેચાણનો હિસાબ ચેક કરવાનો શો રૂમનો નિયમ છે.ગઇ તા. 11ના રોજ સાંજે તે અને શો રૂમના માલિક હિરેન પ્રભુદાસભાઈ પારેખ સોનાના દાગીનાનો હિસાબ ચેક કરતા હતા ત્યારે જાણવા મળ્યું કે સેલ્સમેન નિકુંજે વેચાણ અર્થે આપેલા સોનાના ચેઇન, મંગળસૂત્ર અને સોનાના પંજાના ટોટલ સ્ટોકમાંથી સોનાના 381 ચેઇન (વજન 6,500 ગ્રામ) કે જેની કિંમત આશરે રૂા. 3.77 કરોડ થાય છે, સોનાના 110મંગળસૂત્ર (વજન 1300 ગ્રામ) કે જેની કિંમત અંદાજે રૂા. 75.40 લાખ થાય છે તથા સોનાના 54 પંજા (વજન 325 ગ્રામ) કે જેની કિંમત રૂા. 18.85 લાખ થાય છે, તેનો હિસાબ આપ્યો નથી.
જેથી નિકુંજને પૂછતા તેને કોઈ જવાબ આપ્યો ન હતો. આ રીતે કુલ 8125 ગ્રામ સોનાના દાગીના કે જેની કિંમત રૂ. 4.71 કરોડ થાય છે. તે વિશ્વાસઘાત, છેતરપિંડી કરી ઓળવી જતા ગુનો નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.પોલીસે તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, આરોપી નિકુંજે મોજશોખ ઉપરાંત એમસીએક્સ સહિતના સટ્ટા પાછળ મોટી રકમ ગુમાવી હતી. જેને કારણે તેણે આ કારસ્તાન કર્યું હતું.